Skip to main content

ગુજરાતી ગઝલનો આશાસ્પદ અવાજ : પંકજ ચૌહાણ

ગુજરાતી ગઝલનો આશાસ્પદ અવાજ : પંકજ ચૌહાણ 


કવિશ્રી પંકજ ચૌહાણ "કમલ" નો કાવ્યસંગ્રહ "સ્પર્શ ફૂલોનો" માંથી પસાર થતાં પ્રાપ્ત થયેલી કેટલીક કાવ્યમય ચમત્કૃતિઓની વાત કરવાનો આ ઉપક્રમ છે. આ કવિ ઘણા સમયથી અમરેલીની સાહિત્યભૂમિ સાથે અવિનાભાવીપણે જોડાયેલા છે. કવિતાના વાચનલેખનમાં રત આ કવિ ઊંડી સાહિત્યપ્રીતિ ધરાવે છે. શિવાનંદ નેત્ર ચિકિત્‍સા હોસ્પિટલ, વીરનગરને પોતાની કર્મભૂમિ બનાવનાર આ યુવાકવિ વીરનગરની આસપાસના સો દોઢસો કિ. મી. સુધી ક્યાંય પણ સાહિત્યિક કાર્યક્રમ હોય ત્યાં મોટરસાયકલ લઇ પહોંચી જઇ ઉત્કટ સાહિત્યભાવનાની પ્રતીતિ કરાવે છે. પંકજ ચૌહાણ પાસે કાવ્યસાધનાની અદમ્ય ધગશ છે. જેના ફળ સ્વરૂપે આપણને એમનો "સ્પર્શ ફૂલોનો" સંગ્રહ મળે છે.

પંકજ ચૌહાણના વ્યક્તિત્વમાં રહેલા ૠજુતા, નિખાલસતા, સરળતા અને સૌમ્યતા ઊડીને આંખે વળગે તેવા છે. એમને મળીએ ત્યારે એના હસતા ચહેરા પાછળ છુપાયેલી કોઇ ઘેરી ચિંતા કદાચ કવિતાને પામવાની તાલાવેલી હોઈ શકે એવું લાગ્યા વિના ન રહે. કવિતામાં પણ એમના વ્યક્તિત્વનો પડઘો પડતો જણાય છે. ભાવકશ્રેષ્ઠ એવા શ્રી આર. પી. જોષીની અભ્યાસુ કલમે આ સંગ્રહની પ્રસ્તાવના ખૂબ સરસ રીતે લખાયેલી છે ઉપરાંત કવિશ્રી હર્ષદ ચંદારાણાની શાબ્દિક શુભેચ્છાઓ પણ પ્રાપ્ત થયેલી છે. જેમાંથી પંકજ ચૌહાણના કવિતાકર્મ અંગેના ઇંગિતો મળી રહે છે.

આ સંગ્રહ વિશેનો આ કોઇ વિવેચનલેખ નથી, માત્ર અવલોકન છે એટલે વિશેષ કોઇ ટિપ્પણી કરવાનો આશય ન જ હોય. અને સભાન સર્જક પોતાની ત્રુટીઓ જાતે જ સમજી લેતો હોય, અને  સમજી લેતો હોવો જોઇએ અને એ જ એના વિકસવાની પ્રથમ શરત ગણાવી જોઇએ. જો કે, અવલોકનમાંથી પણ સજાગ કવિને એના અણસાર મળી જતા જ હોય, જો એને પરખતા આવડે તો. અવ્યાખ્યાયિત કાવ્યત્વની દૃષ્ટિએ નવકવિ કે સિદ્ધહસ્ત કવિ બન્નેની સર્જકતામાંથી તૃટિઓ મળવાની સંપૂર્ણ સંભાવનાઓ રહેલી હોય જ. આપણો આશય માત્ર, કાવ્યસંગ્રહના વાચનમાંથી કેટલો આનંદ પ્રાપ્ત થયો તેની વાત કરવાનો હોય.

પૂર્ણ છોને ના પડે, અડધો પડે,

કાશ ! મારી વાતનો પડઘો પડે.

કવિ જે અભિવ્યક્ત કરે છે એની પ્રતિક્રિયા જાણવી એ કવિમાત્રની અપેક્ષા હોય. અને સભાન સર્જક જ્યારે પ્રથમ સંગ્રહ આપે ત્યારે એની સભાનતા જ એના સ્વીકારભાવ સાથે સહમત બની જતી હોય કે પોતાની સર્જકતા પૂર્ણપણે નીખરી નહીં જ હોય. એનો પૂરો પડઘો નહીં જ પડ્યો હોય. એટલે જ કવિ ઉપર મુજબનો શેઅર કહે છે. ખરેખર તો એક નવકવિનું આ નિરાભિમાનીપણું સૂચવે છે. કવિ પંકજ ચૌહાણ પોતાની કાવ્યયાત્રાનો ફલિતાર્થ જાણવાની જિજ્ઞાસા સેવે છે તો એમને કહીએ કે મિત્ર તમે અધિકાંશપણે સફળ રહ્યા છો અને તમારી કાવ્યસાધનાનો પડઘો પણ સંભળાઈ રહ્યો છે. 

સિદ્ધ કરવા માત્ર એના લક્ષ્યને,

મત્સ્ય માફક ના મને વીંધે કહો.

અભિવ્યક્તિની દૃષ્ટિએ આ શેઅરની મજા જુઓ. આજ સુધી આપણને અર્જુનના મત્સ્યવેધ અંગે અજબ અહોભાવ હતો જે આ કવિનો શેઅર જોતાં કંઇક નવું પરિમાણ અને નવી વિચારશક્તિ તરફ લઇ જવાની ગજબની શક્યતા ધરાવે છે. કવિ આ ઉક્તિ મત્સ્યવેધના કેન્દ્રમાં, જે આજ સુધી સામાન્ય માણસને ના થઇ શકી તેની પ્રતીતિ માછલી દ્વારા આપણને કરાવે છે. અહીં  ક્યારેય આપણે માછલીની પ્રાણઘાત સુધી આપણી સંવેદનાને નહોતા પહોંચાડી શક્યા ત્યાં કવિ આપણને લઇ જાય છે. આ સમસંવેદન આપણે ક્યારેય અનુભવ્યું નહોતું. આ જનોઇવઢ ઘા યાને ચમત્કૃતિ.

આપણી બુઠ્ઠી અને સંવેદનશૂન્ય માનસિકતાને લક્ષિત કરી કવિ આ બીજા શેઅરમાં જોરદાર ચાબખો મારે છે.

ચંદ્ર પર પહોંચી ગયેલા માનવીને,

દિલ સુધી કાં પહોંચવામાં દેર લાગે ?

પંકજ ચૌહાણના પિતાશ્રી મનુભાઈ જસદણવાળા  વર્ષોજૂના આકાશવાણીના બહુ નામી ભજનીક એટલે સ્વાભાવિકપણે એમના ઘરે ભજન-સંતવાણીનું વાતાવરણ હોય જ. આ આધ્યાત્મિક પરિવેશ અને વારસો પણ સમયાંતરે આ કવિની કવિતામાં અનાયાસે વણાતો રહ્યો છે. એની પ્રતીતિ કેટલાક શેઅરમાં જોવા મળે છે.

જે હતો આ મંચનો તે વેશ છોડી જાઉં છું,

લે, જરીયલ વસ્ત્રનો હું નેહ છોડી જાઉં છું.


હોય ઘટમાં એ બિરાજિત તો મને,

આટલી શાને રહે છે ભે કહો ?


જાવું છે દૂર-દૂર એકલું એટલે,

કાફલાથી અલગ છૂટતો જાઉં છું.


તમે મંદિર અને મસ્જિદમાં શોધી રહ્યા છો જે,

પરમ તે તત્ત્વને હું માંહ્યલે સ્થાપીને બેઠો છું.


અનહદ વાગે નાદ કબીરા,

નીંદરમાંથી જાગ કબીરા.


રંગ ન દૂજો લાગે એવો,

શ્યામલ કર રંગાટ કબીરા.


બે ગજ ધરા બસ છે જરૂરી આખરે,

ઝાઝા પથારા પાથરીને ક્યાં જશો ?

આટલી આધ્યાત્મિક સમજ પછીનો કવિનો અભિગમ જીવનની વાસ્તવિકતા અને માનવતાવાદી ખેસ ધારણ કરે છે અને સમાજમાં વ્યાપ્ત અસમાનતા, માણસની સ્વકેન્દ્રી માનસિકતા, અસહિષ્ણુતા વગેરે જેવા મનોવલણો પર કવિદૃષ્ટિ પડે છે. જેના કારણે કેટલાક સરસ શેઅર આપણને મળે છે.

દર્દ જોઈ પારકું, હૈયું હચમચે,

એ જ ક્ષણ પૂજા-નમાજ બની જાય છે.


ફરો છો વિશ્વશાંતિ દૂતનો ઈલ્કાબ પ્હેરીને,

કરાવી લાખ રમખાણો, તમારી વાત જુદી છે. 


વિકાસના ઘોંઘાટમાં બહેરા થયેલા કાનને,

કોયલ, બપૈયા, મોરનો થોડોઘણો કલરવ મળે.


આગ ભડકે છે શહેરમાં તો પણ,

રંક ચૂલે અભાવ લાગે છે.

આ સિવાય પણ પ્રેમ, નફરત, પ્રકૃતિ, ભ્રામકતા, છળકપટ, ઈમાનદારી, કારુણ્ય જેવા ભાવ-પ્રતિભાવોને કવિએ એની સર્જકતામાં સુંદર રીતે અભિવ્યક્ત કરેલા જોઇ શકાય છે. અહીં હવે પછી થોડા શેઅરો મૂકવા જઇ રહ્યો છું જેમાંથી ઉપર કહ્યા તે ભાવો એમાં પડઘાતા જોઇ શકાય છે. કવિ પાસે વિચારસમૃદ્ધિ સરસ હોય પણ એને કવિતાની રીતેભાતે અભિવ્યક્ત કરવાની હોય. મને આ સંગ્રહની બહુધા રચનાઓમાં ઘણા આસ્વાસનરૂપ ચમકારાઓ મળ્યા છે. આપ ભાવકશ્રીઓને પણ એ મળે તો મારો રાજીપો વધશે. આ રહ્યા એ મજાના શેઅરો -

પાળ પાંપણની વટી આંસુ વહ્યાં કાં ગાલ પર ?

યાદ કો' પાછોતરી આવી હતી કે શું અહીં  ?


ખોટી પડી'તી આજ એના આવવાની ધારણા,

બેઠો રહ્યો નાહક ઉઘાડી રાતભર હું બારણાં.


હાથ ઝાલી જિંદગીભર ના કદી છોડી જશો,

એ ભરોસો બે ઘડીમાં હાથતાલી થઇ ગયો.


નીત ઊઠી શિવાલય જઇને દૂધ તણી એ ધાર કરે છે,

ખોટ પછી તે સરભર કરવા કાળો કારોબાર કરે છે. 


ઓઢ્યું નથી ક્યારેય સારું વસ્ત્ર દુર્બળ દેહ પર,

મોંઘા કફનથી લાશ શણગારે ભલે, પણ બા-અદબ.


જગ ભલે નિંદા કરે તેને ધરી ના કાન પર, 

સાનભાને થઈ બહેરી, ચાલવા લાગી નદી.


એટલે તો આ મજૂરી થાય છે,

બાળ મારું પણ નિશાળે જાય છે.


જમાનાની નજરથી તો ઝખમને રાખજો ઢાંકી,

પડી જાશે અગર દૃષ્ટિ નકામા ખોતરી જાશે.


જીવવાની કળા જ્યાં મળે, જે મળે,

એકડે એકથી ઘૂંટતો જાઉં છું.


પોતપોતાના ઘમંડી કોચલામાં કેદ સૌ,

તું કહે આમાં હવે આઝાદ હું કોને કરું ?


પછી દુખ્યું નથી ક્યારેય છાતીમાં મને યારો,

પુરાણા પ્રેમપત્રો જ્યારથી બાળીને બેઠો છું.


હજુ દેખાડવાના હોય કરતબ તે બતાવી દ્યો,

પછી કહેશો નહીં કે હું નજર ઢાળીને બેઠો છું.


એબ જેની સાચવી રાખી હતી મેં મા કસમ,

એ જ ધીરેથી કફનને લાશથી સરકાવતા.


અહીં આવ્યા પછી એવું સતત લાગ્યા કરે છે કે,

હું દેવળથી જરા પણ દૂર થઇ બેઠો નથી, સાકી.


કારગત ના હો દવા જ્યારે અમારા દર્દની,

રૂપના ત્યારે ઈલમ અજમાવ તો જાણું તને.


પ્રેમ, યારી, રિશ્તેદારી આ બધું,

બંધ શ્રીફળ ધારવાનું હોય છે.


મેં નજર જેની તરફ માંડી હતી,

એમની દૃષ્ટિ અવર મંડાય છે.


સાવ બુઠ્ઠી થઇ પડી તલવારને પણ,

જ્યાં ઝુકાવી ડોક મેં ત્યાં ધાર આવી.


મળે છે મોજ ક્યાંથી એ પ્રથમ તું ખોજ પ્યારે,

પછી એ મોજને વળગી રહેજે રોજ પ્યારે.


જવાનું હોય ખાલી હાથ તો શું જિંદગીભર,

ધરીને મસ્તકે ખોટો ફરે છે બોજ પ્યારે !


એ જ ઊંચે પહોંચતા આકાશમાં,

જે નથી બેઠા પરાઈ આશમાં.


તાપી રહ્યા ઠંડા કલેજે તાપણું,

બાળી અમારું ઘર અને હું મૌન છું.


અમથું નથી મોંઘું થયું કંઇ આ કફન,

રળનાર એમાં પણ હજારો હોય છે.


દે મને ઊર્જા નવી લડવા જગતના જંગથી,

ગૂંજતું એકાદ એવું ગીત રાખું છું સદા.


બેચાર પળ જીવી જવી છે પ્રેમમાં,

જન્મોજનમની ખાતરી જોતી નથી.


દર્દ આપોઆપ હળવું થઇ જશે,

બસ જરા સંતાપવાનું બંધ કર.

'સ્પર્શ ફૂલોનો' સંગ્રહ માટે કવિ પંકજ ચૌહાણને અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ.

હરજીવન દાફડા

સ્પર્શ ફૂલોનો - ( ગઝલસંગ્રહ ), કવિ પંકજ ચૌહાણ 'કમલ', પ્રકાશક પોતે, ℅. શિવાનંદ આંખની હોસ્પિટલ, મુ. વીરનગર, તા. જસદણ, જિ. રાજકોટ - ૩૬૦૦૬૦ મો. ૯૪૨૮૨૬૫૪૪૦, ૯૯૭૯૪૭૪૬૪૧  પ્રથમ આવૃત્તિ - ઓકટોબર ૨૦૨૨, મૂલ્ય - ૧૮૦ /- 













Comments

  1. વાહ…મિત્ર કવિશ્રી,હરજીવનભાઇ
    બહુજ સ-રસ અને વિગતે ઉઘાડ આપ્યો,મિત્ર કવિ પંકજ ચૌહાણના તાજેતરમાં પ્રકાશિત “સ્પર્શ ફૂલોનો” ગઝલસંગ્રહને.
    બન્ને મિત્રોને ગઝલપૂર્વક અભિનંદન 💐💐
    -ડો.મહેશ રાવલ
    USA

    ReplyDelete
  2. વાહ, પંકજભાઈને અભિનંદન અને શુભકામનાઓ.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

હરજીવનમાં અવરજવર

હું અને મારી ગઝલ - હરજીવન દાફડા તું અને તારી ગઝલ - હર્ષદ ચંદારાણા

ઇમેજ બનાવનાર નાથાલાલ ર. દેવાણીના આભાર સાથે