Skip to main content

રમેશ પારેખની કવિતાનો આસ્વાદ

શરતપાલનની અઘરી છતાં શક્ય મથામણ
                                  - હરજીવન દાફડા

                     એવી શરત હોય

તું આવે અને આવવાની એવી શરત હોય,
હું હોઉં નહીં મારા ઘરમાં તું જ ફકત હોય.

સુક્કાતું જળ છે, છે હજુ એકાદ માછલી,
કોને ખબર કે કાલ પછી કેવો વખત હોય !

વળગી છે ક્યાંક ક્યાંક ખરેલાં ફૂલોની ગંધ,
નહીં તો શું છે આ ઘરમાં મને જેની મમત હોય ?

નીંદર તૂટ્યા પછીય નથી સહેજે તૂટતું,
પથ્થરની જેમ સ્વપ્ન ઘણી વાર સખત હોય.

જે કંઇ વીતે છે, જે કંઇ વીતવાની છે ભીતિ,
ઈચ્છું છું વીતી જાય અને અંત તરત હોય.

તોડીને ફેંકી દઉં છું તણખલાની જેમ શ્વાસ,
હું એમ આપઘાત કરું જાણે રમત હોય.

તોડીને ફેંકી દઉં છું તણખલાની જેમ શ્વાસ,
જાણે કે તારા આવવાની એવી શરત હોય.

                    - રમેશ પારેખ

ગુજરાતી સાહિત્યજગતમાં રમેશ પારેખનું નામ અને કામ માતબર છે. એની કલમે છૂટ્ટા હાથે શબ્દોનો ગુલાલ ઉડાડ્યો છે. ગીત, ગઝલ, છાંદસ, અછાંદસ વગેરે કાવ્યસ્વરૂપોને એની સર્જકતાએ ગરવી ઊંચાઈ આપી છે. એની લેખિનીમાંથી અવતરેલો શબ્દ, પોતાનો શબ્દકોષીય અર્થ છોડીને કંઇ કેટલીય અર્થચ્છાયાઓ પ્રગટાવે છે. અન્ય કાવ્ય પ્રકારોની જેમ ગઝલમાં પણ એમણે ઉલ્લેખનીય કવિકર્મ કર્યું છે. અહીં એમની ઉપરોકત ગઝલમાંથી ભાવકપક્ષે સાંપડતા રસનો આસ્વાદ કરાવવાનો ઉપક્રમ છે. ગઝલના પ્રથમ શેઅરમાં કાવ્યનાયકના મુખે કવિએ કેવી આશ્ચર્યકારક વાત મૂકી છે !
      તું આવે અને આવવાની એવી શરત હોય,
      હું હોઉં નહીં મારા ઘરમાં તું જ ફકત હોય.
અહીં કાવ્યનાયક પોતાની નાયિકાને ઈજન તો આપે છે, પણ એક શરત હોવી જોઈએ એમ ઈચ્છે છે. આ શરત પણ કંઇ જેવીતેવી નથી. પોતે જ પોતાના ઘરમાં ન હોય, માત્ર આવનાર એક જ હોય. આપણને ઘડીભર એમ થાય કે આ તે કેવું નિમંત્રણ ! મહેમાન ઘરમાં આવે ત્યારે આપણે જ ઘરમાં ન રહીએ તે કેમ ચાલે ? પણ ના, કવિતામાં જે આનંદ, જે રસ છૂપાયેલો હોય છે તેને શોધવા ભાવકે થોડાં ખાંખાંખોળાં પણ કરવાના હોય. અહીં કવિને વાત કરવી છે પોતાના અહમ્ ને ઘર (હૃદય) માંથી કાઢવાની. જ્યાં પ્રિયપાત્ર પધારવાનું હોય ત્યાં પ્રેમ સિવાય અન્ય કોઇની જરૂર જ નથી. હું અને તું નો છેદ ઊડે ત્યારે વધે છે કેવળ પ્રેમ. આ જ વાત કબીર આમ કહે.
    જબ મૈં થા તબ હરિ નહીં, અબ હરિ હૈ મૈંનાહિં, 
      પ્રેમ  ગલી  અતિ  સાંકરી, તામેં  દો  ન  સમાહિં.
બીજા શેઅરમાં જીવનની ક્ષણભંગુરતાનું વર્ણન કવિએ કેવી કાવ્યાત્મક રીતે કર્યું છે. સુક્કાતું જળ છે, છે હજુ એકાદ માછલી, કોને ખબર કે કાલ પછી કેવો વખત હોય ! જીવનજળ ધીમે ધીમે સુકાઇ રહ્યું છે પણ કોઇની રાહ જોતી એકાદ જિજીવિષા હૃદયના કોઇ ખૂણે હજુ ટળવળી રહી છે. સંધ્યાની ઝાંખી પાંખી લાલાશ છે ત્યાં સુધીમાં પણ એ આવી મળે તો જીવન ધન્ય બની જાય. નહીતર અંધારના ઓળા ક્યારે ઊતરી પડે એની કોને ખબર ! 
અહીં મરીઝનો એક શેઅર પણ યાદઆવે. 
     જિંદગીના રસને પીવામાં કરો જલદી મરીઝ,
      એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
એક જ સરખા વિચાર કે ભાવને કવિઓ પોતપોતાના અલગ અંદાઝથી કાવ્યમાં બખૂબી નિરૂપે છે ત્યારે ભાવકનો કાવ્યાનંદ કવો દ્વિગુણિત થઇ જતો હોય છે !      
   વળગી  છે  ક્યાંક  ક્યાંક  ખરેલાં  ફૂલોની  ગંધ,
   નહીં તો શું છે આ ઘરમાં મને જેની મમત હોય ?
ડાળ પરથી ખરી ગયેલું ફૂલ ફરી ડાળ પર આવવાનું નથી. કવિને આ પ્રતીત હોવા છતાંય એ ખરેલા ફૂલોની સુગંધ, જે રોમેરોમ ઊતરી ગઇ છે એ કેમેય એનો કેડો મૂકતી નથી. પૂર્વસૂરિઓની જીવનસૌરભ સાથે અલૌકિકપણે કવિનો નાળસંબંધ છે. આ સૌરભ સાગરમાં પોતાના ક્ષણિક આયખાની થોડી સુવાસનું ઉમેરણ કરવાની મથામણ કવિને છે. માત્ર ને માત્ર આ જ કારણે, કોઇ મમત્વ ન હોવા છતાં કવિને શારીરિક ને સાંસારિક બંધનોમાં બંધાઇને રહેવાની ફરજ પડી છે.
     નીંદર   તૂટ્યા   પછીય  નથી  સહેજે  તૂટતું,
     પથ્થરની જેમ સ્વપ્ન ઘણી વાર સખત હોય.
નીંદર તૂટતાની સાથે જ સ્વપ્ન તૂટી જતું હોય, પરંતુ કવિ અહીં જે સ્વપ્નની વાત કરે છે તે પથ્થર જેવું સખત છે, એ કેમેય તૂટતું નથી. 'જગત એક રેન કા સપના' ની આ વાત છે. નીંદર તો તૂટે છે પણ ભીતરની તંદ્રા તૂટતી નથી અને સ્વપ્નવત્ સંસારનો ભ્રમ છૂટતો નથી.
જે કંઇ વીતે છે, જે કંઇ વીતવાની છે ભીતિ,
ઈચ્છું છું વીતી જાય અને અંત તરત હોય.
એક તો અસહ્ય સાંસારિક પીડાના સમય વચ્ચેથી માંડ માંડ પસાર થઇ રહ્યા છીએ, ઉપરથી હજી એક આખરી પીડા (મૃત્યુ) માંથી પસાર થવું પડશે એવી ભીતિ આ હયાતીને હચમચાવી રહી છે. એટલે જ કવિજીવ ઈચ્છે છે કે આ પરિસ્થિતિ હવે જલદી પસાર થઇ જાય અને મોત આવી મળે તો આમાંથી છૂટકારો મળે. પણ છૂટકારો નહીં જ મળે એવી પાકી શ્રદ્ધા ખુદ કવિને પણ છે જ. આ કવિ અન્ય એક શેઅરમાં કહે છે.
જાત અટકી તોય ના અટકી પીડાની જાતરા,
જો અમે પથ્થર થયા તો ટાંકણા સામા મળ્યા.
પીડાદાયક આ પરિસ્થિતિનો અંત નજીકમાં આવે એવી કોઇ આશા ન દેખાતા અંતે આપઘાત કરવાની મનઃસ્થિતિએ આવી જવાયું છે. તણખલાની જેમ શ્વાસને તોડવાની ચેષ્ટા કરીએ તો પણ આ પીડામાંથી આપમેળે મુક્ત થવાય એમ ક્યાં હતું  ?
     તોડીને ફેંકી દઉં છું તણખલાની જેમ  શ્વાસ,
     હું  એમ  આપઘાત  કરું  જાણે  રમત હોય.
     તોડીને  ફેંકી દઉં  છું તણખલાની જેમ શ્વાસ,
     જાણે  કે  તારા  આવવાની એવી શરત હોય.
આગળના શેઅરની પ્રથમ પંક્તિ છેલ્લા શેઅરમાં પુનરાવર્તન પામે છે પણ અહીં એનો સંદર્ભ બદલાઇ જાય છે. મત્લામાં કહેલી વાત સાથે જ મક્તાનો શેઅર અનુસંધાન રચે છે. તું આવે  એ પહેલાં 'હું ' નો સર્વથા લોપ થાય એમ કવિ ઈચ્છે છે. અને  એટલે જ રહ્યું સહ્યું આયખું પણ અહંને તડીપાર કરવાની કોશિશમાં પૂરું કરી નાખવાની એની મથામણ જોઈ શકાય છે. ' શિર સાટે રે નટવરને વરીએ.'

Comments

Popular posts from this blog

સૌને દિવાળીની શુભેચ્છાઓ, ફોટો સૌજન્ય - શ્યામ સાંખટ

કેટલાક દોહા