Skip to main content

જીવ્યાની પળ જડે નહીં

જીવ્યાની પળ જડે નહિ.. - હરજીવન દાફડા

 સાત સાત જીવતરની ઊંચી હવેલીમાં જીવ્યાની પળ જડે નહિ.. લમણે લખેલ કાળા હીબકાં છે, હીબકાંનું તાકું તો તળ જડે નહિ

 કાળમુખી રાત સ્હેજ પાંપણે અડે ત્યાં આંખ ગળતી પરોઢ જેવું ચૂવે કોટીબંધ મોર અમે માર્યાની દંતકથા મંડાતી, પાણીઆરે કૂવે 

માથાફોડ વીંઝાતી કાળઝાળ ચર્ચાની કૂંચી કે કળ જડે નહિ 
લમણે લખેલ કાળા હીબકાં છે, હીબકાંનું તાકું તો તળ જડે નહિ 

અંદર ભોંકાય મારું અણિયાળું હોવું ‘ને પાનીમાં હણહણતા હય એકાંતે મન સાવ સંકોરી રહેવાનું સમજણનો સાચવીને લય

 મારામાં ગોટમોટ હું પોતે હોઉં, તોયે સંકેલી સળ જડે નહી 
લમણે લખેલ કાળા હીબકાં છે, હીબકાંનું તાકું તો તળ જડે નહિ

- સંજુ વાળા 
( " રાગાધિનમ " - ૨૦૧૪  માંથી )

 ગુજરાતી સાહિત્યમાં વિવિધ વળાંકેથી વહેતું આવતું ગીત આધુનિકતાના પરિવેશને ધારણ કરે છે. સમયાંતરે અહીંથી પણ આગળ વધે છે અને આજે તો અનુઆધુનિક કાયાકલાપ સજીને આપણી સામે ઊભું છે. ગીતનું આ સંમાર્જિત અસ્તિત્વ કેટલાક ખમતીધર કવિઓના ખભા પર બિરાજમાન છે. એ હરોળનું એક સશક્ત અને પ્રતિભાસંપન્ન કવિનામ એટલે સંજુ વાળા. આ કવિએ અછાંદસ, દોહા, ગઝલ, ત્રિપદી વગેરેમાં નવતર સર્જકકર્મ કર્યું છે તેમ ગુજરાતી ગીતને પણ પોતીકી અને સાહિત્યિક નવ્ય અભિધારણાથી સંમાર્જિત કર્યું છે. આ કવિની ગીતરચનાઓ માનવીય સનાતન સમસ્યાઓને તાકે છે અને એની આંતર-બાહ્ય બારીકીઓને સજ્જતાપૂર્વક અવતારે છે. આ સર્જકની ભગવારંગી રચનાઓ હજી કોઇક સજ્જ સહૃદયની અપેક્ષિત છે. 

એમની આ ગીતરચનામાં વૈધવ્યની વિભીષિકા આબેહૂબ નીરૂપાઈ છે.

સાત સાત જીવતરની ઊંચી હવેલીમાં જીવ્યાની પળ જડે નહિ.. લમણે લખેલ કાળા હીબકાં છે, હીબકાંનું તાકું તો તળ જડે નહિ

સાત સાત જીવતરની ઊંચી હવેલી યાને દોમદોમ સાહ્યબી હોવા છતાં પુરુષ વિનાની સ્ત્રીની મનોદશા તો કોઇ પરકાયા પ્રવેશક જ જાણી શકે. તેમ છતાં આ સર્જક અહીં વૈધવ્યની મનઃસ્થિતિને સુપેરે આત્મસાત કરે છે. જગતની સર્વ સુખસંપદા પુરુષ વિહોણી સ્ત્રી માટે લમણે લખાયેલ કાળા હીબકાંથી વિશેષ કંઇ નથી. આ હીબકાં પણ કેવાં કે એનો આ જન્મારામાં કોઇ ઉકેલ દેખાતો નથી કે એનું ક્યાંય તળ મળે એમ પણ લાગતું નથી. 

કાળમુખી રાત સ્હેજ પાંપણે અડે ત્યાં આંખ ગળતી પરોઢ જેવું ચૂવે કોટીબંધ મોર અમે માર્યાની દંતકથા મંડાતી, પાણીઆરે કૂવે 
માથાફોડ વીંઝાતી કાળઝાળ ચર્ચાની કૂંચી કે કળ જડે નહિ 

રાતનું પુરુષ-સાંનિધ્ય એ લગભગ દરેક સ્ત્રીની મનોઝંખના હોય છે. પણ આ કાવ્યનાયિકા માટે તો રાત જ કાળમુખી હોય છે. ને એના કાળાધબ્બ અંધકારને ઓઢીને એ રાતભર આંખો નીતારતી રહે છે. આ સ્થિતિમાં ક્યારે સવાર પડી જાય છે એની સુધબુધ રહેતી નથી. આવી દયનીય અને કરુણ સ્થિતિ વિશે પાણીઆરે અને કૂવે તરેહ તરેહની વાતો થતી હોય છે. એક દંતકથા મુજબ જેણે આગલા જન્મે કરોડો મોર માર્યા હોય એને આ જન્મે વૈધવ્ય આવે. પણ અહીં તો જગતના મહેણા-ટોણા કે કાળઝાળ ચર્ચાની કોઇ કળ પણ હાથવગી થાય એમ નથી કે એનો ટકોરાબંધ ઉત્તર આપી શકાય એમ પણ નથી. બસ, નિસહાયપણે બધું સહન કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ જ ક્યાં હોય છે. 

અંદર ભોંકાય મારું અણિયાળું હોવું ‘ને પાનીમાં હણહણતા હય એકાંતે મન સાવ સંકોરી રહેવાનું સમજણનો સાચવીને લય 
મારામાં ગોટમોટ હું પોતે હોઉં, તોયે સંકેલી સળ જડે નહી 

પુરુષ વિના સ્ત્રીનું હોવું એ જ એનું અણીદાર અસ્તિત્વ. જે હંમેશા અંદર ને અંદર ભોંકાયા કરતું હોય છે. યુવાનીના મનોભાવો તેજીલા તોખાર જેમ હણહણતા હોય, જીવનની સઘળી આશાઓ લીલીકુંજાર જેવી અણનમ અને અધુરી હોય, મન કેમેય જંપતું ન હોય અને પોતાની પાસે આ સ્થિતિનો કોઇ ઉપાય ન હોય ત્યારે હાલાત સાથે સમાધાન સિવાય બીજો ક્યો રાહ બચે ! મનનો સઘળો ફેલાવો સંકોરીને સમજણપૂર્વક આયખું વેંઢારી નાખવાનો એકમાત્ર મનસૂબો જ એનું જીવાતું જીવન. અને એ જ એનો જીવનમંત્ર. નિરૂપાય આ સ્થિતિ સાથે છેવટ નાયિકા સમધાન સાધે છે. અને એ રીતે જીવતાં શીખી જાય છે કે એના જીવનવસ્ત્રની સળ કોઇને પણ ન જડે. એક વિધવા નાયિકાના મનોભાવોને કવિએ બખૂબી આ ગીતમાં નિરૂપ્યા છે. દેશ્ય અને તળપદ વાક્યસમૂહો, રૂઢિપ્રયોગો વગેરેનો સમુચિત વિનિયોગ ગીતને સુપેરે નીખારે છે. કાળા હીબકાં, કાળમુખી રાત, ગળતી પરોઢ, કોટીબંધ મોર, કાળઝાળ ચર્ચા, હણહણતા હય, ગોટમોટ વગેરે બોલચાલના અને રૂઢ શબ્દપ્રયોગોને ગીતમાં ગાળી-ઓગાળી કવિએ એક નવ્ય ભાષાપોત નીપજાવ્યું છે. આ રસક્ષમ અને નર્યા-નીતર્યા ગીતને સૂરોમાં ઝબોળીને ચાલો સાંભળીએ.


 હરજીવન દાફડા 

( આકાશવાણી, રાજકોટના " આ માસનું ગીત " માટે લખાયેલો ટૂંકો આસ્વાદ )

Comments

Popular posts from this blog

શ્વાસના ચોક્કસ હિસાબો આપણી પાસે નથી

ક્યાંથી અલગ કરશો - ગૌરાંગ ઠાકર

ચિતાર આપી શકાય એવું સ્વરૂપ છે ક્યાં ?