Skip to main content

ગઝલ પાસે જવાનું ડ્હાપણ દર્શાવતી ગઝલ

ગઝલ પાસે જવાનું ડ્હાપણ દર્શાવતી ગઝલ 
                  હરજીવન દાફડા

તને શબ્દોની એક નોખી અદબ મળશે ગઝલ પાસે 
અને અર્થોનો  એ જાદુ ગજબ  મળશે ગઝલ પાસે 

યુગોથી તપ્ત  રણની  પ્યાસ  લઇને  તું  ભલે આવે 
છિપાવે પ્યાસ પળમાં એ  પરબ મળશે ગઝલ પાસે

ફકત  બેચાર   ટીપામાં   નશો  એનો   ચડી   જાતો
સુરા એવી અલૌકિક ને અજબ મળશે ગઝલ પાસે

નિરાશા   જિંદગીની    ચોતરફથી    ઘેરશે   જ્યારે 
નવી  આશાનું  એકાદું  સબબ  મળશે  ગઝલ પાસે

ક્ષણોમાં  જીવવાનો  રંજ  ના   રહેશે   કદી  મનમાં
ક્ષણો શાશ્વત બને એવો કસબ મળશે ગઝલ પાસે

                        ઉર્વીશ વસાવડા
        ( " ટહુકાનાં વન " ગઝલસંગ્રહમાંથી ) 
        
વ્યવસાયે તબીબ એવા કવિ ડૉ. ઉર્વીશ વસાવડાનું ગઝલસર્જનક્ષેત્રે જાણીતું અને માનીતું નામ છે. આ કવિ ગઝલની આંતર - બાહ્ય સ્વરૂપગત લાક્ષણિકતાઓની સારી સમજ ધરાવે છે, એમ એમના દ્વારા સર્જાતી ગઝલોના વાંચન પરથી અવશ્ય કહી શકાય. આજકાલ મહદ્ અંશે સર્જાતી અસંખ્ય ગઝલનામી રચનાઓની તુલનાએ આ કવિની સર્જકતા ગઝલની વધુ નજીક ઊભી છે એમ, એમનો " ટહુકાનાં વન " ગઝલસંગ્રહ જોતાં લાગે. અહીં આ સંગ્રહની એકમાત્ર અને પ્રસ્તુત ગઝલનો આસ્વાદ કરવાનો ઉપક્રમ છે.

તને શબ્દોની એક નોખી અદબ મળશે ગઝલ પાસે 
અને અર્થોનો  એ જાદુ ગજબ  મળશે ગઝલ પાસે

અહીં, અન્‍ય કાવ્યપ્રકારો કરતાં ગઝલ કેવી રીતે પોતાનું નોખું - અનોખું અસ્તિત્વ ધરાવે છે તેની વાત કવિ આ પ્રથમ શે'રમાં કરે છે. ગઝલ ઉર્દૂ છંદમાં લખાતો કાવ્યપ્રકાર છે. અહીં કોશગત શબ્દને ગઝલની શિસ્તમાં રહેવું પડે છે. આવી શિસ્તના કારણે જ શે'રમાં જો શબ્દની યોગ્ય સ્થાને અને  અનીવાર્યપણે બાઅદબ ઉપસ્થિતિ રહી હોય તો અને તો જ એ શબ્દમાં અર્થમાધુર્ય ઉદ્ભવે બલકે અનેક અર્થવ્યંજકતાઓ ઊઘડે. અને એમ થતાં શે'રમાં રસાળ અને અનુભૂતિજન્ય ચમત્કૃતિ સર્જાય. આ રીતે ગઝલનો, બે પંક્તિથી રચાયેલો એક ઉત્કૃષ્ટ શે'ર ભાવકપક્ષે ઉલ્લાસ અને  પરિતૃપ્તિની લહાણી કરે છે. પણ કવિ અહીં શરત રાખે છે કે આવા આનંદજન્ય રસને ચાખવા ભાવકે ગઝલ પાસે જવું અનીવાર્ય હોય છે. 

યુગોથી તપ્ત  રણની  પ્યાસ  લઇને  તું  ભલે આવે 
છિપાવે પ્યાસ પળમાં એ  પરબ મળશે ગઝલ પાસે

તડકાથી તપ્ત આખો રેતસમુદ્ર, ઝાંઝવાં, વૃક્ષો અને  પાણી વિનાની ધરતીનો અસહ્ય ધખારો અને એમાં સંગી - સાથી વિનાની તરસે ટળવળતી આપણી ઉપસ્થિતિ. 'રણ' શબ્દ કાને પડતાં જ આ દયનીય હાલત આપણી સમક્ષ આવીને ઊભી રહે છે. તરસ્યાને પાણી મળતાં અંદરથી ઊભરતી શાતાનો અનુભવ જેણે આ પરિસ્થિતિ વેઠી હોય એને જ હોય. રણના સંદર્ભે કવિ અહીં સંસારરણની વાત કરે છે. સાંસારિક વિડંબનાઓ, હાડમારીઓ, અતૃપ્ત મનની લાચારીઓ અને આવા અનેક નિરુત્તર પ્રશ્નોમાં જીવતો - સબડતો માણસ હંમેશા એના સમાધાન અર્થે રખડતો - ભટકતો હોય છે. આવા બળ્યા - ઝળ્યા માણસને શાતા અર્પે એવી પરબ ગઝલ પાસે છે એમ કવિ કહે છે. 

ફકત  બેચાર   ટીપામાં   નશો  એનો   ચડી   જાતો
સુરા એવી અલૌકિક ને અજબ મળશે ગઝલ પાસે

અધૂરપ અને અપેક્ષાની વચ્ચે આકળવિકળ અને રઘવાયો થઇને એમાંથી બહાર નીકળવા હવાતિયાં મારતો માણસ, અંતે કોઇ માર્ગ ન મળતાં, હારી - થાકીને પીડાકારક આ જીવનસ્થિતિને ભૂલવા કોઇ ને કોઇ નશાકારક દ્રવ્યોના આશરે પહોંચી જતો હોય છે. નશાગ્રસ્ત માણસ થોડીવાર નિજાનંદ માણી લેતો હોય છે, પણ જેવો નશો ઊતરે કે તરત જ જીવનનું પેલું બિહામણું દ્રશ્ય તેની સામે આવી જાય છે. દેખીતી વાત છે કે, નશો કાયમ રહેતો નથી ને દુઃખદાયક વાસ્તવિકતાનો કાયમી ઉકેલ મળતો નથી. એના માટે આપણે કોઇ અલૌકિક શક્તિ કે ચેતનાને શરણે જવાની જરૂર હોય છે. કવિ કહે છે, ગઝલ પાસે અલૌકિક અને અજબ એવી સુરા છે કે જેના આચમનમાત્રથી ચડેલો નશો ક્યારેય ઊતરતો નથી. 

નિરાશા   જિંદગીની    ચોતરફથી    ઘેરશે   જ્યારે 
નવી  આશાનું  એકાદું  સબબ  મળશે  ગઝલ પાસે

કવિતા પાસે જીવનનાં દુઃખ - દર્દોની દવા ભલે ના હોય પણ એ ઇલાજ અર્થે અંગુલિનિર્દેશ અવશ્ય કરે છે, અને  ઈશારો માત્ર જ કાફી હોય છે. જીવનની નિરાશાઓથી ઘેરાયેલા માણસે, કવિ કહે છે તેમ ગઝલ પાસે જવું જોઇએ. ગઝલ પાસે, આ નિરાશાઓમાંથી નીકળવાનો ક્યાંક ને ક્યાંક જે માર્ગ હોય છે તેનું નિર્દેશક તત્ત્વ અવશ્ય છે અને તે માણસને પ્રાપ્ત થઇ જાય પણ ખરું ! 

ક્ષણોમાં  જીવવાનો  રંજ  ના   રહેશે   કદી  મનમાં
ક્ષણો શાશ્વત બને એવો કસબ મળશે ગઝલ પાસે

પસાર થઇ રહેલા સમય સાથે શક્યતાસભર અસ્તિત્વને નિર્હેતુક વહેવા દેવું એમાં જીવનનું કોઇ સાર્થક્ય નથી. વ્યર્થપણે ગુમાવેલી જિંદગીનો વસવસો મોટા ભાગે જીવનના અંતિમે ઊભેલી વ્યક્તિને રહેતો હોય છે. અહીં કવિ  આ શે'ર દ્વારા એ કહેવા માગે છે કે, આ પ્રવાહિત સમયની પ્રત્યેક ક્ષણોને જાણવી, માણવી અને  પ્રમાણવી જોઇએ અને  જીવાતી જિંદગીના મહત્વપૂર્ણ અંશોને એની સાથે જોડતા રહેવું જોઇએ. ક્યારેક થોડીક ક્ષણો એવી પણ સાંપડે કે જેમાંથી આપણા જીવનની કોઇ રમ્ય છબિ કાયમ માટે અંકિત કરી શકાય. જીવનકાળમાં આવું કૌશલ્ય પ્રાપ્ત કરવાની તરકીબ ગઝલ પાસે છે એમ કવિ કહે છે. 

Comments

Post a Comment

Popular posts from this blog

સૌને દિવાળીની શુભેચ્છાઓ, ફોટો સૌજન્ય - શ્યામ સાંખટ

કેટલાક દોહા