Skip to main content

'અગન' રાજ્યગુરુનો ગઝલસંગ્રહ - 'તમારી યાદમાં'

'અગન' રાજ્યગુરુનો ગઝલસંગ્રહ - 'તમારી યાદમાં'

'અગન' રાજ્યગુરુનો પ્રથમ વખત મને ફોન આવે છે અને ત્યારબાદ રૂબરૂ મળ્યા ત્યારે એનો " તમારી યાદમાં " સંગ્રહ મને આપતાં કહ્યું કે મારા આ ગઝલસંગ્રહનું વિમોચન રાખ્યું છે અને એમાં તમારે આવવાનું છે. મેં એ વખતે સંગ્રહ ઉપર ઉપલક દ્રષ્ટિ ફેરવી તો ઘણા સ્થાનો એવા લાગ્યા કે એના વિશે કંઇક વાત કરી શકાય. મેં આવવાની હા પાડી. બસ આ અમારો પ્રથમ પરિચય. એ વખતે અગને કહ્યું કે હું અમરેલીમાં કોઇ સાહિત્યકારના પરિચયમાં નથી. કોઇ નવકવિ કોઇ સાહિત્યકારના પરિચયમાં ન હોય અને સીધા જ કાવ્યસંગ્રહ સાથે સાહિત્યજગતમાં પ્રવેશે એ ઘટના નવાઈ પમાડે એવી લાગી. પછી તો 'તમારી યાદમાં' સંગ્રહને બારીકાઈથી વાંચ્યો તો લાગ્યું કે આ કવિએ કોઇને મળ્યા વિના પોતાની રીતે સર્જનકાર્ય કર્યું છે એટલે જ કદાચ એનાં સર્જનમાં કેટલુંક તૃપ્તિકર કામ જોવા મળે છે. 

કવિ કેટલાક શેઅરમાં સ્વપરિચય આપે છે. 

કૈંક મારો મૌનથી નાતો હતો, કૈં

ક વહાલી છે જ એકલતા મને.

નહીં તો જિંદગીનું સત્ય ના જાણી શક્યો હોતે,

'અગન' વરદાન જેવી થઇ પડી છે ક્યાંક એકલતા.

કવિની એકલવ્ય જેવી આ ગઝલસાધનાના કેટલાંક સુપરિણામો આપણને એના સંગ્રહમાંથી મળે છે.

૧. કવિની છંદસફાઈ ધ્યાનાકર્ષક છે. કેટલાક અપવાદો બાદ કરતાં લગભગ સરસ રીતે એની યોજના થવા પામી છે.

૨. ગઝલ, જે પ્રિયતમા સાથેની વાતચીત કહેવાય છે એ શરતને આ કવિ સુપેરે અનુસરે છે. ક્યાંય વિવેકભંગ કે અમર્યાદપણું ન આવે એનો કવિએ સતત ખ્યાલ રાખ્યો છે.

૩. ગઝલના આંતર અને બાહ્ય બન્ને રૂપોને ઉપસાવવા કવિએ એનાં ગજાં પ્રમાણે બહુ સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે ને એમાં મહદ્ અંશે એ સફળ પણ થયા છે. 

૪. ગઝલની ઈશ્કે મિજાજી અને ઈશ્કે હકીકી એમ બન્ને ભાવોર્મિઓનું કવિએ એની આગવી નિજતાથી નિરૂપણ  કર્યું છે જે કેટલાંક સ્થળોએથી આપણને મળે છે અને રસતરબોળ કરે છે. 

૫. ગઝલની શેરિઅતની વાત કરીએ તો ઘણીબધી જગ્યાએ એના ચમકારા જોવા મળે છે. જોઇએ - 

નથી જાહેરમાં લેતો કદી યે નામ તારું હું,

પરંતુ ઊંઘમાં ઊઠતો લવારો કેમ છુપાવું.


હું ખરેખર ખુદમાં છું કે નહીં,

એ જ છે ઉલઝન તમારી યાદમાં.


કૈંક ઘટના તો હશે ઊંડાણમાં,

મૌનમાં વધતો ગયો મલકાટ પણ.


સાથમાં ચાલી શકાયું હોત પણ,

વાતમાં ને વાતમાં અટકી ગયા. 


અરે એની ગલીની પાસમાં ખૂલ્યું છે સુરાલય,

બંને બાજુ કહું તો આપણે ચાંદી જ ચાંદી છે.


વાંસળીને હોય જેવી શ્વાસની,

એટલી તારી જરૂરત છે મને.


નથી પગરવ જરાપણ કે નથી ભણકાર જેવું કૈં,

ન જાણે શું ઇરાદાથી સજે છે આ સદન મારું.


૬. આ સિવાય ગઝલનું ખાસ પાસું જે એની અભિવ્યક્તિ કે નિરૂપણરીતિ છે એની તપાસ કરીએ તો આ સંગ્રહમાંથી બહુધા શેઅરો આપણને મળે છે. માનવજીવનના કેટલાક મનોભાવો કવિએ આવા શેઅરોમાં અભિવ્યક્ત કર્યા છે જે આપણી કેટલીક અપેક્ષાઓ સંતોષે છે. અહીં પ્રણયભાવની સાથોસાથ જીવતર આસપાસનાં દૂરિતો કે વરવાં વાતાવરણો પણ મળે. ખુમારી કે પરસંવેદનની અભિવ્યક્તિ અને ભગવારંગી શેરિઅત પણ મળે. 

કેટલાક શેઅર જોઇએ -


પરિચય આપવો મારો મને આસાન થઇ જાતે,

તમે ખુલ્લા પગે ક્યારેક જો રસ્તે ફર્યા હોતે.


ઘાસ છું, ઓછું ન સમજો કૈં મને,

પથ્થરોમાં ઊગવાની ટેવ છે.


નનામી વૃદ્ધની જોયા પછી બેચેન છે હૈયું,

નડે છે વય નહીંતર તાતના ખોળે રડ્યા હોતે.


વ્યાધિ પણ છે ભીતરમાં ને વૈદ્યપણું પણ ભીતર,

અમથો - અમથો મનવો દોડી બ્હાર ઉકાળો શોધે.


બધાએ તત્ત્વજ્ઞાનીને સરળ પ્રશ્નો કહ્યા મારા, 

ઉત્તરમાં આટલી ઊંડી દ્વિધા મળશે ખબર નહોતી.


કો'ક વિશે બોલવામાં રસ નથી,

હોય તારી તો ગમે ચર્ચા મને.


નામ પણ જેઓ 'અગન' લેતા નહીં,

એમનાં મોંએ કસીદો નીકળ્યો.


પ્રસંશા આપની કરવા ગઝલમાં જીવ રેડ્યો છે,

નથી એમ જ બની ગયા આપ ઈશ્વર જોતજોતામાં.


આ અને આવા તો બીજા ઘણા સુંદર શેઅર આ સંગ્રહમાંથી મળે છે. સ્થળાભાવને લીધે બધાનો ઉલ્લેખ ટાળું છું.

કવિ એક શેઅરમાં કહે છે - 


ફકત એકાદ - બે સારા પ્રસંગો બાદ રાખીને,

ગયું છે આયખું તારીખના પાના ફર્યા જેવું.


કવિના સંગ્રહમાંથી અહીં એકાદ - બે નહીં પણ ઘણા સારા સ્થાનો મળે છે એનો આનંદ છે.

વિશેષમાં કહું તો કવિએ હવે એના દ્વારા સર્જાનારી કવિતાથી કેટલુંક ડહોળામણ, જે આ સંગ્રહમાં જોવા મળે છે, એને દૂર કરી નરી નીતરી ગઝલ આપવાની છે અને આ કવિ આ બાબતે સચેત છે એ મતલબના આ શેઅર જોઇએ.


હજુ તો જિંદગીના અવનવાં સોપાન બાકી છે,

ઘણા રુદન હજી બાકી, ઘણી મુસ્કાન બાકી છે.


બીજો શેઅર


ભલે દેખાવથી લાગી રહ્યો વેરાન હું કિંતુ,

ભર્યો છે ભીતરે તો એક આખો બાગ મારામાં.


કવિની ભીતરના બાગમાંથી આગળ ઉપર ખૂબ સુંદર અને સુવાસિત કાવ્યપુષ્પો ખીલે એવી કવિમનીષા અને આપણી પણ દિલી અપેક્ષા પ્રમાણે 'અગન' અવનવાં સોપાન સર કરે એવી અભિલાષા સાથે 'અગન' રાજ્યગુરુને અને એના સંગ્રહ 'તમારી યાદમાં' ને દિલના રાજીપા સાથે આવકારું છું.


હરજીવન દાફડા



Comments

Popular posts from this blog

હરજીવનમાં અવરજવર

હું અને મારી ગઝલ - હરજીવન દાફડા તું અને તારી ગઝલ - હર્ષદ ચંદારાણા

ઇમેજ બનાવનાર નાથાલાલ ર. દેવાણીના આભાર સાથે