Skip to main content

શેર - હરજીવન દાફડા, આસ્વાદ - સંજુ વાળા

ફરી એક ઔર મઝાનો સંકેતવિસ્તાર.. 

ચિતાર  આપી  શકાય  એવું  સ્વરૂપ  છે  ક્યાં ,
પળે   પળે  એ   અનેક   રૂપો   ધર્યા   કરે   છે.
-હરજીવન દાફડા

એક વ્યાખ્યાનમાં મેં એવું કહેલું કે 'કવિઓએ અધ્યાત્મના માર્ગે જઇને કવિતાને નુકશાન પહોચાડ્યું છે' એની થોડી વ્યાપ્તિ કરીએ તો એમ પણ કહી શકાય કે.. ' પરંતુ જેણે અધ્યાત્મને કવિતાના માર્ગે વાળ્યું એણે સ્વાનુભવોને સાર્વત્રિકતા મળે એવી અને શાશ્વતિનું નજીકદર્શન નિરૂપી શકાય એની મથામણ પણ કરી છે.

હરજીવનજીની કેટલીક રચનાઓ આ પૈકીની છે. સંતોની વાણીના ઊંડા અભ્યાસના કારણે અને પૈતૃક ભજનભાવસંપતિના કારણે વારંવાર આ કવિ આવા પ્રદેશનો મુસાફર બને છે.

એની ખાતરી કરવી છે ?

વિચારો કે
'એનું સ્વરૂપ નક્કી નથી અથવા તો એ વારંવાર સ્વરૂપ બદલે છે' 
પરંતુ આવી ખબર કેમ પડે ? જો મૂળ સ્વરૂપની ખાતરી હોય તો કહી શકાય કે આ તો લીલારૂપ છે. પાછા કવિ એમ પણ કહે કે આનો ચિતાર આપી શકાય એમ નથી. આપણે આમ કાંઇ એકલા કવિની વાત તો ન માનીએ. કયાંક.. કોઇ પ્રમાણ તો જોઈએ. તો છે ને...

પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરૂજી મારો
એનો રે બતાવું તમને દેશ
-ગંગાસતી.

અહીં પણ આજ વાત છે.
જેને નામ.. રૂપ.. નથી. જેને જન્મ/મરણ નથી. જેને જરા-વ્યાધિ નથી.
પણ
આ સંતને એની ઓળખ છે. એણે જોયો હશે. તો જ દેખાડી શકે.
આ કવિ પણ એમ કહે છે.
એક રૂપને સ્થિર કરવા મથું ત્યાં તો એ બીજું જ રૂપ ધરીને વિલાસ કરતો હોય છે.
એટલે આ સાવ જાણીતું છતાંય આંગળી ન મૂકાય એવું.. માત્ર લીલામય જે ચેતન્યરૂપ છે. એની વાત. બીજો સંકેત :
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે
નરસિંહ.

અધ્યાત્મની કવિતા કરનારાઓ માટે રસ્તો સરળ છે. બે.. પાંચ ચિહ્નો વણી લે એટલે એ અને એનો ભાવક બન્ને રાજી. પણ જેને કવિતાના અધ્યાત્મની ખેવના છે એના માટે એક પંક્તિ પણ દુશ્કર.

હરજીવનમાં આવી પંક્તિઓ મળતી રહે છે. એ આપણા રાજીપાનું સ્થાનક રચે છે.

કવિ... સુકામનાઓ.

-સંજુ વાળા

Comments

Post a Comment

Popular posts from this blog

હરજીવનમાં અવરજવર

હું અને મારી ગઝલ - હરજીવન દાફડા તું અને તારી ગઝલ - હર્ષદ ચંદારાણા

ઇમેજ બનાવનાર નાથાલાલ ર. દેવાણીના આભાર સાથે