Skip to main content

અનામ શાશ્વતીની કાવ્યમય અભિવ્યક્તિ " છાંઈ "

અનામ શાશ્વતીની કાવ્યમય અભિવ્યક્તિ " છાંઈ "                    

હરજીવન દાફડા


છાંઈ

હાથવેંતમાં  હોય  પરંતુ  હાથ  ન  લાધે  છાંઈ,

પગ તળેથી પ્રગટી પાછી  પગમાં  રહે  સમાઈ.

તાણો  તો  ના  તૂટે,  અંગે  પડે  નહીં   ઉઝરડા,

ઝીલે, ઝૂલે, જરજરે પણ જળકમળવત્ ભરડા.

સીધા સાથે સીધું ચાલે, અવળાં સહ અવળાંઈ,

હાથવેંતમાં  હોય  પરંતુ  હાથ  ન  લાધે   છાંઈ.


નામ - રૂપને  છોડી   વહેતી,  આકારે    આકારી,

નિરાકારની નહીં દેખાતી નિશ્ચિત બિલકુલ ન્યારી.

છાંઈ વિનાનો પદાર્થ કેવો ? કઇ એની પરખાઈ ?

હાથવેંતમાં  હોય  પરંતુ   હાથ  ન   લાધે   છાંઈ,

સંજુ વાળા

ગુજરાતી કવિતાજગતમાં કવિ સંજુ વાળાના કવિતાકર્મથી સર્જકો અને ભાવકો પરિચિત જ છે. આ કવિનો ગીતસંગ્રહ " રાગાધીનમ્ " ( ૨૦૦૭, ૨૦૧૪ ) ગુજરાતી ગીતસાહિત્યમાં આગવી ભાત પાડતો સંગ્રહ છે. આ કવિના કવિતાસમગ્રની વાત કરવી એ તો બહુ માતબર કામ છે. અહીં " રાગાધીનમ્ " ની " છાંઈ " ગીતરચના વિશે થોડી વાત કરવી છે.

" છાંઈ " કલ્પનને એકાધિક પરિમાણો અને બહુવિધ અર્થવિન્યાસના  સ્તરે તાવતી - તપાસતી આ ગીતરચના છે. છાંઈને નિમિત્તે છાંયો... પડછાયો... આછી પદાર્થ - પ્રતિઆકૃતિ...ઓળો...જેવા અર્થો આપણને હાથવગા મળે, પણ આવા અર્થોની સીમામાં બદ્ધ રહે એ કવિતા શાની ? એમાંય કોઇ સરસ કાવ્યનિરૂપણાને તપાસતા હોઇએ ત્યારે સતર્કતા, સાવધાની અને સ્થૂળ અર્થભેદક ભાવકતાની નિતાંત આવશ્યકતા હોવી ઘટે.

હાથવેંતમાં  હોય  પરંતુ  હાથ  ન  લાધે  છાંઈ,

પગ તળેથી પ્રગટી પાછી  પગમાં  રહે  સમાઈ.

હાથવેંતમાં હોય એનો અર્થ એ કે આ છાંઈ કોઇ અદૃશ્ય તંતુ છે અને  હાથ લાગતો નથી. વળી " પગ તળેથી પ્રગટી પાછી  પગમાં  રહે  સમાઈ " એટલે પગથી માથાં લગ અને માથાંથી પગ લગ એમ આપણી હયાતીની આરંભ, મધ્ય અને ઇતિ સઘળી અવસ્થામાં જીવાતુભૂત તત્ત્વની પેઠે આ છાંઈ આપણને વીંટાયેલી જ રહે છે. આટલી નિકટપણે જોઇ શકાતી અને અસ્તિત્વ સમગ્રમાં અનુભવી શકાતી આ છાંયાને સ્પર્શી ન શકવાનો રંજ એ આ કવિતાનો વિષય છે. કવિ અહીં છાંઈ જેવા નિરિંદ્રિય વિષયની વાત માંડે છે તો સાથોસાથ નિજી ભાષાસજ્જતાના દર્શન પણ કરાવતા રહે છે અને એમ સમાંતરે કવિતાનું સૌંદર્ય પણ વિકસતું રહે છે.

તાણો  તો  ના  તૂટે,  અંગે  પડે  નહીં   ઉઝરડા,

ઝીલે, ઝૂલે, જરજરે પણ જળકમળવત્ ભરડા.

સીધા સાથે સીધું ચાલે, અવળાં સહ અવળાંઈ,

હાથવેંતમાં  હોય  પરંતુ   હાથ  ન   લાધે   છાંઈ,

કવિની ભાષાસજ્જતા જે કહી તે અને એની કાવ્યનિરૂપણરીતિ ઉપરના અંતરામાં જોઇ શકાય છે. ભાવકને જબ્બર આંચકો આપી જાય છતાં કળાવા ન દે તે જ કવિની કાવ્યસર્જનકલા. હવે આ અંતરો ફરી તપાસીએ તો કવિએ કરેલી યુક્તિ પકડાશે. તો જોઇએ - જે છાંઈની કવિ વાત કરે છે તે હાથમાં તો આવતી નથી. અને જે પકડાય જ નહીં તેને કઇ રીતે તાણવી ?! એના પર ઉઝરડો કેમ પડે ?! કોઇ એને ઝીલે કેમ અને એમાં ઝૂલે પણ કેમ ?!  અને એ તો અક્ષુણ્ણ, જરજરે પણ નહીં. એટલે એની સાથેના આપણા સૌ પ્રયત્નો જળકમળવત્ ભરડા...!  હા, એને પામવાને  આપણું લક્ષ્યબિંદુ સ્થિર થાય, સહેજેય ડગમગાટ ન થાય, જરાપણ અવળાંઈ કે અસ્તિત્વની કોઇપણ સ્ફૂરણા એને અવરુદ્ધ ન કરે અને એકદમ સીધેસીધું અનુસંધાન સધાય તો કદાચ એને પકડી કે પામી શકાય. અને એવી પ્રાપ્તિ પછી જ કંઇક કહી શકાય કે, એ કવિતા છે કે જન્માંતરોથી જે જડતી નથી એ અમુલખ ચીજ છે કે પછી સર્વવ્યાપી, સર્વશક્તિમાન ચેતના છે અથવા જીવનભર આપણા અસ્તિત્વને ડામાડોળ કરતી આવતી જગતમાયાની છાંયા છે !

નામ - રૂપને  છોડી   વહેતી,  આકારે    આકારી,

નિરાકારની નહીં દેખાતી નિશ્ચિત બિલકુલ ન્યારી.

છાંઈ વિનાનો પદાર્થ કેવો ? કઇ એની પરખાઈ ?

હાથવેંતમાં  હોય  પરંતુ   હાથ  ન   લાધે   છાંઈ,

કોઇ એક પ્રતીકને કેટકેટલી બાજુએ કલ્પનોડ્ડયન કરાવતો કવિ  કંઇ કેટલાય ગમ્ય - અગમ્ય પ્રદેશોમાં વિહાર કરતો હોય અને ભાવકને એની પ્રતીતિ કરાવતો હોય છે. એ માનવમૂલ્યોની છણાવટ કરતો હોય ત્યારે માનવતાવાદી, જીવન - ફિલસૂફીની રસલ્હાણ કરાવતી વેળા ફિલોસોફર, પ્રેમની રંગછોળ ઉડાડતો હોય કે શૃંગારિક બયાનો કાઢતો હોય તો પ્રેમદીવાનો અને  ઇશ્કેહકીકી કે ભગવારંગી રહસ્યક્ષેત્રમાંની તાત્ત્વિક પીઠિકાઓ દર્શાવતો હોય ત્યારે દાર્શનિક કે સંત - ભક્ત લાગતો હોય છે પરંતુ વાસ્તવમાં એ ઉપરનામાંથી કોઇપણ હોતો નથી, માત્રને માત્ર કવિ હોય છે અને આ સઘળી રમણા કેવળ કવિની કવિતાક્રીડા હોય છે અને આ બધી જહેમત એ કવિતાસિદ્ધિ માટે લેતો હોય છે જે દરેક સાચા કવિએ કરવાનું હોય જ. ભાવકદૃષ્ટિ કવિને જ્યાં વિહરતો જુએ ત્યાંની છબિ પોતે અંકિત કરતી હોય છે.

નામ - રૂપને  છોડી   વહેતી,  આકારે    આકારી,

નિરાકારની નહીં દેખાતી નિશ્ચિત બિલકુલ ન્યારી.

આ કવિ બહુ મોટો આધ્યાત્મિક વારસો ( જેના વિશે ક્યારેક અવકાશે વાત થઇ શકે ) લઇને બેઠા છે. જેનાં મીઠાં ફળ કવિતારીતિએ એમની કવિતામાંથી આપણને મળતા રહે છે. આ કવિ પાસે સ્વાનુભૂતિ છે, દર્શન છે સાથોસાથ અભિવ્યક્તિની કલા પણ છે. જેના લીધે કોઇપણ વિષયને એ કવિતાની રીતેભાતે નિરૂપી જાણે છે. નામ અને રૂપ બન્ને છૂટી જાય છતાં પણ કોઇ સંચલન અવિરત હોય એની વાત કવિ આ અંતરામાં કરે છે. નામ એ નિરાકાર અને રૂપ એ આકાર. આ બન્ને કાળક્રમે વિનાશ પામે છે. કોઇ અનામ શાશ્વતી જે છે તે આ બન્નેમાં છે પણ અને નથી પણ. એ આકારમાં આકારી અને નિરાકારમાં નિરાકારી બની નિરંતર વિલસી રહી છે. કવિ કાવ્યમય અભિવ્યક્તિની ટેકનિકથી આ અનામ શાશ્વતીને " છાંઈ " તરીકે પ્રસ્થાપિત કરે છે એ એની કવિતાસિદ્ધિ.  આવા જ પરિપ્રેક્ષ્યમાં છાંઈને ઇન્દ્રિયસાપેક્ષ કર્યા બાદ એક નવી, નિર્મળ દૃષ્ટિ ખૂલે તો દૃશ્યજગતનો કોઇ પદાર્થ છાંઈ વિનાનો નહીં લાગે. 

કવિનિરૂપિત છાંઈની અર્થચ્છાયાઓ મેળવતાં મેળવતાં એના અંતિમે પહોંચ્યાનો આનંદ એ આપણું ઇતિકર્તવ્ય માનીએ એ ક્ષણે જ આ કવિતા આપણાથી આગળ નીકળી જાય છે અને આપણી સમક્ષ મસમોટો પ્રશ્ન મૂકી દે છે... કઇ એની પરખાઈ ? કદાચ ઊંડી મથામણને અંતે આ પરખાઈનો અર્થ પણ જડી આવે. અને ધારો કે અર્થ મળી પણ ગયો, તો શું ?! કવિએ પ્રશ્ન વહેતો મૂકી દઇ કવિતા પૂર્ણ કરી દીધી છે. કદાચ કવિને અર્થ સાથે કાંઇ લેવાદેવા જ નથી. એને તો માત્ર કવિતા કરવી હોય છે. અને સાચા કવિની મથામણ કવિતાની પ્રસ્થાપના માટેની જ હોવી ઘટે, કાવ્યાર્થ માટેની નહીં. આ કવિતામાં કવિની મથામણ કાવ્યસિદ્ધિની એ પરિપાટીની છે એમ એનું રચનાકર્મ જોતાં લાગે.

આ " છાંઈ " ગીતકાવ્યની સંરચના કવિએ સફાઈદાર માવજતથી કરેલી છે. એકાધિક વખતનાં વાંચનમાં દરેક વખતે આ ગીતમાં કંઇકને કંઇક નવતાસભર કવિકર્મ નજરે ચડે છે જે કદાચ જૂજ વાંચને ચૂકી જવાતું હોય. ગીતની પ્રથમ શરત અને આધારરૂપ સ્તંભ એટલે એનો લય. અહીં લયમાં પણ એક પ્રકારની તાજગી અને નવતા જોવા મળે. અહીં " રે લોલ ",  " રે ",  " જી "  વગેરે જેવા પંક્તિના અંતિમો નથી છતાં લયની મનોહારી પ્રવાહિતા છે. જરા વધુ નિકટતાથી કાન ધરીએ તો કવિ દ્વારા નાજુક નાજુક લયકારી શબ્દોની જે યોજના થયેલી છે તેનો સમન્વયકારી લય બહુ કર્ણપ્રિય લાગે છે. લયના અંગે એક વિદગ્ધ સર્જકની નવોન્મેશ તરફની ગતિશીલતા આ ગીતમાં જોવા મળે છે.

ગીતમાંની આ પંક્તિઓ ફરીથી જોઇએ -

તાણો  તો  ના  તૂટે,  અંગે  પડે  નહીં   ઉઝરડા,

ઝીલે, ઝૂલે, જરજરે પણ જળકમળવત્ ભરડા.

સીધા સાથે સીધું ચાલે, અવળાં સહ અવળાંઈ,

હાથવેંતમાં  હોય  પરંતુ  હાથ  ન  લાધે   છાંઈ.

અહીં કવિના ભાષાકર્મ અને નવતર અભિવ્યક્તિની છટા તથા શબ્દ - પ્રયુક્તિની કાબેલિયત દેખાઈ આવે છે.  છાંઈના સજીવારોપણની પ્રક્રિયા અને શબ્દ - નિરૂપણરીતિના સૂક્ષ્મ કાકુઓ જોતાં ભાષાની એક સુંદર અને નવ્ય ઇમારત ઊભી થતી હોય અને નવ્ય ભાષાનિર્માણનું કામ ચાલી રહ્યું હોય એમ લાગે છે.  સભાનપણે સર્જન કરતો કવિ સમય જતાં નિજી ભાષા નીપજાવી શકતો હોય પરંતુ ભાષા ઘડતરનું કામ કરનાર કવિઓ વિરલ હોય છે. આ ગીતનું ભાષાકર્મ એ નવિન ભાષાનિર્માણ તરફની કવિ - ગતિ હોય અને સાથે ગુજરાતી ગીતમાં એક નવી આબોહવા રચતું હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતી ગીતસાહિત્ય માટે આ મોટો આશાવાદ છે. અંતમા, નવતા તરફની કવિની ગતિશીલતાને એનું લક્ષ્ય મળે અને  ગુજરાતી સાહિત્યને એનો આશાવાદ ફળે એવી મંગલકામના.

Comments

Post a Comment

Popular posts from this blog

ન એકો, ન દ્વિતીયમ્, ન તૃતીયમ્-ચતુર્થમ્

લીલી લીલી વયમાં - લાલજી કાનપરિયા

એક એ રહે - રાજેન્દ્ર શુક્લ