Skip to main content

બાબા કાયા નગર બસાવૌ - સંત કવયિત્રી સહજોબાઈ

બાબા કાયા નગર બસાવૌ,
જ્ઞાન દૃષ્ટિ સૂઁ ઘટ મેં દેખૌ, સુરતિ નિરતી લૌ લાવૌ.

પાઁચ મારી મન બસિ કર અપને, તીનૌં તાપ નસાવૌ;
સત સંતોષ ગહૌ દ્રઢ સેતી, દુર્જન મારિ ભજાવૌ.

સીલ છિમા ધીરજ કૂઁ ધારૌ, અનહદ બંબ બજાવૌ:
પાપ બાનિયા રહન ન દીજૈ, ધરમ બજાર લગાવૌ.

સુબસ બાસ હોવૈ જબ નગરી, બૈરી રહૈ ન કોઈ:
ચરનદાસ ગુરુ અમલ બતાયો, સહજો સઁભલો સોઈ.

સહજોબાઈ

સહજોબાઈનો જન્મ સંવત્ ૧૭૪૦ ની આસપાસ રાજસ્થાનના મેવાત પ્રાંતના ડેહરા ગામમાં, રાજપૂતાનાના એક પ્રતિષ્ઠિત ઢૂસર કુળમાં થયેલો.  એમની વાણી પરથી એટલું નક્કી થાય છે કે તેઓ સંવત ૧૮૦૦ માં મોજૂદ હતાં અને પ્રસિદ્ધ મહાત્મા ચરનદાસજીના ગુરુમુખ શિષ્યા હતાં. મહાત્મા ચરનદાસજી પણ મેવાતના એક ઢૂસર કુળમાં જન્મેલા અને એમના અનુયાયીઓ ભારતવર્ષના દેશ - દેશાંતરોમાં હજારોની સંખ્યામાં થયેલા.  સહજોબાઈની વાણી પરથી ચરનદાસજીનો જન્મ સમય ભાદરવા સુદ ત્રીજ અને મંગળવાર, વિક્રમ સંવત ૧૭૬૦ પ્રમાણિત થાય છે. સંત સાહિત્યમાં સહજોબાઈને મીરાંની જેમ જ નારીસંતોમાં બહુ મહત્વપૂર્ણ સ્થાન મળેલું. એમનું જીવન પૂર્ણ વૈરાગ્યમય હતું. તેઓ બ્રહ્મજ્ઞાની અને જ્ઞાનયોગિની હતા. એમના 'સહજ પ્રકાશ' ગ્રંથમાં એમણે ગુરુતત્વની જે વ્યાખ્યા કરી છે, ગુરુ પ્રત્યે જે નિષ્ઠા પ્રગટ કરી છે તે મૌલિક અને એકદમ મર્મસ્પર્શી છે. સહજ પ્રકાશમાં ગુરુનિષ્ઠા, આત્મચિંતન અને ભગવદભક્તિ તથા સાધનાના જુદા જુદા અંગો ઉપર પ્રકાશ પાડવામાં આવેલો છે. એમણે આજીવન કુંવારા રહી બ્રહ્મચર્યમય જીવન વીતાવવાનો સંકલ્પ કરેલો અને પાળેલો. એમના ગુરુ  ચરણદાસજી પણ ડેહરા ગામના. સંવત ૧૮૨૦ ની આસપાસ લગભગ સહજોબાઈએ પોતાનો દેહ છોડ્યો.
સહજોબાઈના વિષયમાં કોઇ કોઇ ચમત્કાર અને કૌતુક પ્રસિદ્ધ છે પણ એનું કોઇ પ્રમાણ મળતું નથી. એમની ઊંડાણભરી ગુરુભક્તિ અને ગતિ એમની ખૂબ કોમળ, મધુર અને હૃદયવેધક વાણી પરથી  જાણી શકાય છે. 

ભારતીય સંતમતધારામાં ભક્તિના માર્ગે આગળ વધતા વધતા કેટલાક ભક્તકવિઓ અને ભક્તકવયિત્રીઓએ પોતાના સાધનાપરક અનુભવોની અભિવ્યક્તિ કરતી કાવ્યરચનાઓ કરી છે. એમાં ક્યાંક ભીતરી દર્શનની વાત છે તો ક્યાંક સમાજજાગૃતિની કે ઉપદેશની વાત હોય છે. અહીં સહજોબાઈ બ્રહ્માંડમાં નહીં પણ પિંડમાં ( કાયામાં ) અંદર ઊતરીને પરમાત્મપ્રાપ્તિ કેમ કરવી એની વાત માંડે છે.

બાબા કાયા નગર બસાવૌ,
જ્ઞાન દૃષ્ટિ સૂઁ ઘટ મેં દેખૌ, સુરતિ નિરતી લૌ લાવૌ.

આપણે ત્યાં સંત, સાધુ કે પ્રબુદ્ધ વ્યક્તિ માટે બાબા શબ્દ પ્રયોજાતો આવે છે જે ખપમાં લઇ સહજોબાઈ એમના માટે કહે છે કે, આ કાયાનગર (અંતર )માં તમે વસો યાને નિવાસ કરો અને તમારી સમજણદૃષ્ટિ, વિવેકની આંખથી જુઓ અને બહાર ભટકતી સુરતા અને દેહવ્યાપ્ત નુરતાનો સંયોગ કરતા રહો અને પળેપળ એમાં તમારી લગની લગાવેલી જ રાખો. બાહ્ય વહેવારનો ભાવ ઓછો કરી ભીતર ચાલતી ગતિવિધિ પર દૃષ્ટિ રાખો.

પાઁચ મારી મન બસિ કર અપને, તીનૌં તાપ નસાવૌ;
સત સંતોષ ગહૌ દ્રઢ સેતી, દુર્જન મારિ ભજાવૌ.

કામ,ક્રોધ, મદ, લોભ, મોહ આ પાંચને મારીને મનને પોતાના વશમાં કરો, આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિતાપને અને ભક્તિમાર્ગમાં નડતરરૂપ દુર્જનો ( વિક્ષેપકો ) ને ભગાડતા રહો.

સીલ છિમા ધીરજ કૂઁ ધારૌ, અનહદ બંબ બજાવૌ:
પાપ બાનિયા રહન ન દીજૈ, ધરમ બજાર લગાવૌ.

શીલ એટલે ચારિત્ર્ય, ક્ષમા અને ધીરજને અંતરમાં સ્થાપો, ધારણ કરો અને હદ - બેહદથીયે પર અનહદનો ડંકો વગાડતા રહો. પાપયુક્ત કે છળકપટભરી વાણી ક્યાંય આપણા અંતરમાં રહેવા ન પામે એનો સદૈવ ખ્યાલ રાખતા રહો અને એવી ચીવટથી ધર્મ નામની બજારનું નિર્માણ કરો.

સુબસ બાસ હોવૈ જબ નગરી, બૈરી રહૈ ન કોઈ:
ચરનદાસ ગુરુ અમલ બતાયો, સહજો સઁભલો સોઈ.

આમ જ આ કાયાનગરની ધર્મરૂપ બજારની ધીમેધીમે સુવાસ ફેલાવતા રહો તો જગતમાં કોઇ દુશ્મન નહીં  રહે અથવા કોઇ દુશ્મન જેવી વ્યક્તિ જ ક્યાંય નહીં મળે. મને મારા સમર્થ સદગુરુ ચરણદાસજીએ એવી સત્તા, હકૂમત અને અધિકાર આપ્યા અને એવો કેફ શબ્દઅફીણનો આપ્યો કે મેં બહુ સમયસર મને આ નર્કરૂપ સંસારની પીડાદાયક આગમાંથી બળતા બચાવી લીધી.

સાભાર
૧. ( ભારત કે સંત મહાત્મા, પૃષ્ઠ - ૬૫૭ )
૨. (સહજોબાઈ કી બાની, બેલવિડીયર પ્રેસ,
     ઈલાહાબાદ, પૃ. ૫૨ )

Comments

Popular posts from this blog

'છાલક' ઓકટોબર - ૨૦૨૨ માં પ્રગટ રચના

કહે તો ખરો.. ઇમેજ કર્ટસી - હરીશ દાસાણી

ગઝલ પાસે જવાનું ડ્હાપણ દર્શાવતી ગઝલ

ગઝલ પાસે જવાનું ડ્હાપણ દર્શાવતી ગઝલ                    હરજીવન દાફડા તને શબ્દોની એક નોખી અદબ મળશે ગઝલ પાસે  અને અર્થોનો  એ જાદુ ગજબ  મળશે ગઝલ પાસે  યુગોથી તપ્ત  રણની  પ્યાસ  લઇને  તું  ભલે આવે  છિપાવે પ્યાસ પળમાં એ  પરબ મળશે ગઝલ પાસે ફકત  બેચાર   ટીપામાં   નશો  એનો   ચડી   જાતો સુરા એવી અલૌકિક ને અજબ મળશે ગઝલ પાસે નિરાશા   જિંદગીની    ચોતરફથી    ઘેરશે   જ્યારે  નવી  આશાનું  એકાદું  સબબ  મળશે  ગઝલ પાસે ક્ષણોમાં  જીવવાનો  રંજ  ના   રહેશે   કદી  મનમાં ક્ષણો શાશ્વત બને એવો કસબ મળશે ગઝલ પાસે                         ઉર્વીશ વસાવડા         ( " ટહુકાનાં વન " ગઝલસંગ્રહમાંથી )           વ્યવસાયે તબીબ એવા કવિ ડૉ. ઉર્વીશ વસાવડાનું ગઝલસર્જનક્ષેત્રે જાણીતું અને માનીતું નામ છે. આ કવિ ગઝલની આંતર - બાહ્ય સ્વરૂપગત લાક્ષણિકતાઓની સારી સમજ ધરાવે છે, એમ એમના દ્વારા સર્જાતી ગઝલોના વાંચન પરથી અવશ્ય કહી શકાય. આજકાલ મહદ્ અંશે સર્જાતી અસંખ્ય ગઝલનામી રચનાઓની તુલનાએ આ કવિની સર્જકતા ગઝલની વધુ નજીક ઊભી છે એમ, એમનો " ટહુકાનાં વન " ગઝલસંગ્રહ જોતાં લાગે. અહીં આ સંગ્રહની એકમાત્ર અને પ્રસ્તુત ગઝલનો આસ્વ