Skip to main content

બંગાળી બાઉલ ગીતો - ફારૂક શાહ

બંગાળી બાઉલ ગીતો 
     - ફારૂક શાહ

એક આખો લોકસમુદાય, હાંસિયે હોવા છતાં, ચેતનાની ઉત્ક્રાંતિના ઉચ્ચતર દર્શનને વરેલો હોય તો તે બંગાળના બાઉલ ફકીરોનો સમુદાય. સૌ પ્રથમ રવીન્દ્રનાથ ટાગોર અને ક્ષિતિમોહન સેને આ રહસ્યવાદી સાધકોનો પરિચય કરાવ્યો. નહીં તો આજ સુધી તેઓ આપણા માટે અજાણ્યા હોત. એમનાં નર્તનમય ગીતોમાં પોતાને બોધના સ્તરે ચિરંતન ગણાવતા આ અંતર્યાત્રી ખોજી લોકનું અવતરણ મધ્યયુગમાં થયું હતું. પરંતુ સમાજથી સાવ અળગા રહી પોતાનું સ્વતંત્ર વિશ્વ રચવાને કારણે તેઓ અજાણ્યા રહી ગયેલા જણાય છે.

મનુષ્ય તરીકેની આંતરિક ઉત્ક્રાંતિ અને પૂર્ણ મનુષ્યની દિશાની પ્રાયોગિક પદ્ધતિ કોઈ મહામાનવ દ્વારા પ્રતિષ્ઠિત થતી હોય છે . તે કોઈ બૌદ્ધિક પ્રભાવોથી નિર્મિત થતી નથી હોતી. બાઉલના અભ્યાસો દરમ્યાન આ પદ્ધતિને પ્રતિષ્ઠિત કરનાર મહામાનવના નામ કે માહિતીના અભાવે તેને અન્ય આ પ્રકારની પદ્ધતિઓમાંથી કે પછી એના પ્રભાવે નિર્મિત થયાનાં તારણો કે અનુમાનો અપાય છે. પરંતુ આની તાસીર જોતાં તે સંપૂર્ણપણે મૌલિક અને મધ્યયુગીન, નિર્ગુણ આધારિત ઉત્ક્રાંતિની પદ્ધતિઓનો ગુણધર્મ ધરાવે છે. સદીઓથી ઉવેખાયેલા નમોશૂદ્ર, માછીમાર તેમજ જુગી અને શૂદ્ર મુસ્લિમ લોક જેવા દલિત, વિચરતા અને વંચિત સમુદાયોના લોકોથી બાઉલ ધારાઓ પ્રવાહિત થઈ છે. બાઉલોએ માનવ હોવાની ગરિમાને વિકસિત કરી વ્યાપક મનુષ્યત્વનું ખેડાણ કરવાનું દર્શન હૈયે ધારણ કરી તેમનો અસ્વીકાર કરતા કે તેમને નિમ્ન ગણતા ઉપરચોટિયા સમાજનો જ સદંતર અસ્વીકાર કરીને મનુષ્યતાની યાત્રાના માર્ગે મગ્ન રહ્યા છે . આમ બાઉલના વિદ્રોહનાં સ્વરૂપ અને ઢંગ આગવાં છે. એટલે જ તેઓ સાવ અળગા રહ્યા અને મધ્યયુગના અન્ય સંત-ફકીરી સંપ્રદાયોની જેમ તેમાં લોકપ્રસાર મળતો નથી. ઈતિહાસગ્રંથોમાં પણ તેમની નોંધ ગેરહાજર મળે. ક્ષિતિબાબુના જણાવ્યા પ્રમાણે બંગાળી ભાષાના આરંભકાળથી, ઈ.સ .૧૮૮૯થી જ તળલોકના જ્ઞાનજગતમાં બાઉલ ચેતના પ્રવર્તતી જોઈ શકાય છે. સાંસ્કૃતિક દૃષ્ટિએ નાથયોગી અને સૂફી ફકીરોની જીવનશૈલી ધરાવનારા અને ચેતનાકીય ઉત્ક્રાંતિની પોતાની આગવી સાધના-પદ્ધતિને કારણે તેઓ ન્યારા પ્રકાશનો અનુભવ કરાવે.

આ બાઉલ છે તે જીવતા મરવામાં માને. એથી જ સમાજની વચ્ચે મરેલા રહેવા માગે. પોતાનાં ગીતોમાં મત્ત બની હ્રિદય-જન (મનેર મનુષ)ની ખોજમાં ચેતનાની મૂળ ધરી તરફ ગતિ કરે. બાઉલ પોતાની સાધનાના સૂક્ષ્મ તત્ત્વ એવા પ્રેમને વ્યાપક સ્તરોએ પહોંચાડી વિશ્વકાયા જોડે માનવકાયાની સમતા સાધે. પંડમાં જ બ્રહ્માંડ પારનો અનહદ પ્રેમ પામે. તેઓ અંતરના વેદમાં માને, બાહ્ય ધર્મો અને પ્રપંચોને દૂર ઠેલે. અસલનો અનુરાગ, સહજ ને શૂન્યના ભાવે છલકાતા બાઉલ રહસ્યવાદીઓની અનેક સરવાણી બંગાળની તળભૂમિએ પથરાયેલી છે. તેમનાં કેટલાંક ગીતો તેના મૂળ બંગાળી પાઠ અને લયની સાથે તાલ મેળવીને જાણીએ.


નરહરિ બાઉલ
૧. પ્રેમજોગેતે

તાઈ તો
બાઉલ હોઈનુ ભાઈ !

લોકેર બેદેર
ભેદ - બિભેદેર
આર તો દાબિ દાબા નાઈ
તાઈ તો બાઉલ હોઈનુ ભાઈ!

નાઈ હાકમ હુકુમ
નેમ રીતિ
નિજાનંદે ચલિ સદાઈ આત્મભાવ પ્રીતિ
તાઈ તો બાઉલ હોઈનુ ભાઈ!

પ્રેમજોગેતે
નાઈ રે બિજોગ
સબાર સાથે નાચિ ગાઈ
તાઈ તો બાઉલ હોઈનું ભાઈ!


*
એટલે તો
થયા બાઉલ, ભાઈ!

લોકના વેદ રે
ભેદ - વિભેદો
અહીં તો દાબ કે દાવો ન કાંઈ
એટલે તો થયા બાઉલ, ભાઈ!

ના કોઈ હાકમ હુકમ
નેમ કે રીતિ
વહેતી નિજાનંદે આતમભાવ પ્રીતિ
એટલે તો થયા બાઉલ, ભાઈ!

પ્રેમના જોગે
નહીં રે વિજોગ
સહુ સંગાથે આ નાચીએ-ગાઈં
એટલે તો થયા બાઉલ ભાઈ!બલરામ બાઉલ
૨. બાઈરે કોથાઓ

આદ્ય અન્ત એઈ માનુષે
બાઈરે કોથાઓ નાઈ,
આચાર બિચાર ધોકા બાજી
ભૂલિછ ના રે ભાઈ!

તન્ત્ર મન્ત્ર વેદ પુરાણે
ધુરાય કેબલ નાનાન ટાને,
જોગે જાગે તીરથે સ્થાને
સેઈ સહજ માનુષ હે હારાઈ.

જાતેર પાતેર પરદા ઢાકા
મિથ્યા અન્ય હઈયા થાકા
તાઈ સહજ માનુષ દેય ના દેખા
તારે સહજ બિના કેમને પાઈ?

ધ્યાન ગ્યાન પ્રેમ જોગાનન્દ
માનુષ નાઈલે કેબલ ધંધ,
સિદ્ધિ સાધન રસ આનન્દ
માનુષ છાડા કિછુઈ નાઈ.

આદ્ય અન્ત એઈ માનુષે...


*
આદ, ને અંત આ મનુષ ભીતર
ના મળે બાહિર ક્યાંય
આચાર વિચાર ધોખાબાજી
મા ભૂલજે તું ભાઈ!

તંતર મંતર વેદ પુરાણે
ધૂમિયા ખાલી વિધ વિધ થાણે
જોગ ને જગન, તીરથ સ્નાને
હાર્યા સહજ મનુષ ભાઈ!

જાત-પાંત ઢાંક્યા પરદા વ્રિથા
અંધ સરીખું ભમવું મિથ્યા
દેખ્યો ય જડે ના સહજ મનુષ
સહજ વિના કેમ પમાય?

ધ્યાન જ્ઞાન પ્રેમ જોગાનંદ
વિના મનુષ એ પોકળ ફંદ
સિદ્ધિ સાધન રસ આનંદ
નૈં મનુષ વિના રે કાંઈ.

આદ, ને અંત આ મનુષ ભીતર
ના મળે બાહિર ક્યાંયલાલન ફકીર
૩. કોથા આછે રે

કોથા આછે રે દીન દરદી સાંઈ
ચેતન ગુરુર સંગ લયે
ખબર કરો ભાઈ!

ચક્ષુ આંધાર દિલેર ધોંકાય
કેશેર આડે પહાડ લુકાય
કિ રંગ સાંઈ દેખછે સદાઈ બસે’ નિગમ ઠાંઈ

એખાને ના દેખલામ તા'રે
ચિનબો તા’રે કેમન કરે
ભાગ્યતે આખેરે તારે દેખતે જદિ પાઈ

સમઝે સબે સાધન કરો
નિકટે ધન પેતે પારો
'લાલન’ કય, નિજ મોકામ ઢોંરો
સાંઈ બહુ દૂરે નાઈ

કોથા આછે રે દીન દરદી સાંઈ


*
ક્યાં રે હશે દીન દરદીના સાંઈ?
મેળવી સગડ ચેતન ગુરુના
ખબરું દેજો ભાઈ!

નયણે અંધાર દલના ધોખે
પ્હાડ છુપાયો કેશની ઓથે
રંગ કયો સાંઈ દેખતો સદાય
બેસીને નિગમ-છાંઈ?

અહીં તો ક્યાંયે જોયો ન એને
વરતીશ કેમ કરીને એને?
છેવટે નસીબજોગ જ એ તો
નજરે ચઢતો ભાઈ!

સમજી-જાણી સાધના કરિયે
પામિયે તો નિજધનને રુદિયે
'લાલન' કહે નિજ મુકામ ઢૂંઢો
દૂર ન સ્હેજે સાંઈ.

 

શેખ ભાનુ
૪. જાઈઓના

નિશીથે જાઈઓના
ફૂલબને રે ભોમરા!
નિશીથે જાઈઓના ફૂલબને!

ડાલ-પાતા નાઈ
એમન ફૂલ ફુટાઈ છે સાંઈ
ભાવુક છાડા ના બુઝબે પંડિતે રે
ભોમરા, નિશીથે જાઈઓના!

નય દરજા કઈ રે બન્ધ
લઈઓ ફૂલેરિ ગન્ધ
અંતરે જપિઓ બન્ધુર નામ રે
ભોમરા, નિશીથે જાઈઓના!

જ્વાલાઈ સે દિલેર બાતિ
દેખ લે ફૂલ નાનાન જાતિ
કત રકમ ધરબે ફૂલે૨ કલિ રે
ભોમરા, નિશીથે જાઈઓના!

અધીન ‘શેખ ભાનુ’ બોલે
ઢેઉ ખેલાઈઓ આપન દિલે
પદ્મ જેમન ભાસબે ગંગાય જલે રે
ભોમરા, નિશીથે જાઈઓના!


*
અધમધ રાતે જાજે ને ફૂલને વન
ભમરા, જાજે ને ફૂલને વન!
અધમધ રાતે જાજે ને ફૂલને વન!

ડાળ પાંદ વૃક્ષ નાંહિ એવાં –
ફૂલ ખીલવતા સાંઈ
ભાવુક વિણ ના પંડિત બૂઝી શકે
ભમરા, અધમધ રાતે જાજે ને!

નવ દ્વાર કરી બંધ , ને તું -
લેજે ફૂલની સુગંધ
હરદમ જપજે બંધુ-નામ અંતરે
ભમરા, અધમધ રાતે જાજે ને!

પેટવી હ્રિદય બાતિ, ફૂલડાં
દેખજે તું ભાંતિ ભાંતિ
કેટલી કળી કોળશે રૂપ નવે!
ભમરા, અધમધ રાતે જાજે ને!

અધીન ‘શેખ ભાનુ’ કહે, ઊરધ -
લોઢ ઉછાળજે દિલે
પદ્મ જેવી રીત ગંગાને જળ તરે
ભમરા, અધમધ રાતે જાજે ને!મદન બાઉલ
૫. તાંર બાણી શોને

નિષ્ઠુર ગરજી, તુઈ કિ માનસ-મુકુલ
ભાજબિ આગુને?
તુઈ ફૂલ ફુટાબિ, બાસ છુટાબિ, સબુર બિહુને?

દેખના આમાર -
પરમ ગુરુ સાંઈ,
જે જુગજુગાન્તે ફુટાય મુકુલ, તાડાહુડા નાઈ.

તોર લોભ પ્રચંડ,
તાઈ ભરસા દંડ,
એર આછે કોન ઉપાય?

કય સે ‘મદન', દિસને વેદન,
શોન્ નિવેદન, સેઈ શ્રી ગુરુર મને -
સહજધારા આપન હારા તાંર બાણી શોને,
રે ગરજી!


*
રે નઠારા ગરજુ! હ્રિદય કળીને ધરીશ -
જ્યાં હો અગ્નિ ધખોણો?
ફૂલ ખીલવીશ, ગંધ ફૂટવીશ, ધીર વિહોણો?

દેખ, અમારા -
પરમ ગુરુ સાંઈ
કળી ખીલવે જુગ જુગાંતે, નહીં કાંઈ અધીરાઈ.

લોભ પ્રચંડ ને
બળ ભરોસો તારે
જોગવી કઈ જુગત એને બોલ, ઠેલે કે ટાળે?

'મદન’ કહે, દેખ ને વેદન,
સુણ નિવેદન, ગુરુને અંતર -
સહજધારાએ હારે જે આપો, સુણે એ વાણી
નિત ચિરંતન, રે નઠારા ગરજુ!ગંગારામ બાઉલ
૬. ડુબાઓ દિ

ડુબાઓ જદિ ડુબતે રાજિ
ડુબતે પરાણ વ્યાકુલ આમાર
તોમાર સાગર હોઈ તે હબે આજિ

ભાંગલે સકલ ભયેર બાસા
લઓ ગો તુમિ સર્વનાશા
કેનો બા વૃક્ષા ફલેર આશા
તુમિઈ અકૂલ તુમિઈ માઝી

ડુબાઓ જદિ ડુબતે રાજિ...


*
ડૂબાવા ચાહો, ડૂબવા રાજી
ડૂબવા વ્યાકુળ પ્રાણ આ મારા
થાવું પડે સમદર તમારે હાંજી!

ભયના સકળ ભાંગ્યા આજ નિવાસા
સવેળ મને ઝીલજો સરવનાશા!
ફળની ફોગટ ધારવી શુંયે આશા?
તમે જ અસીમ જળનો રાશિ તમે જ માઝી

ડૂબોવા ચાહો, ડૂબવા રાજી...

 

બાઉલ બિશા ભોઈ
૭. કત જુગ ધિર

હૃદયકમલ ચલતેછે કુટે
કત જુગ ધરિ
તાતે તુમિ ઓ બાંધા
આમિ ઓ બાંધા
ઉપાય કિ કરિ.

ફુટે ફુટે ફુટે કમલ
ફુટાર ના હય શેષ,
એઈ કમલે૨ જે-એક મધુ,
૨સ જે તાર વિશેષ.

છેડે જેતે લોભી ભ્રમર
પારો ના જે તાઈ,
તાઈ તુમિ ઓ બાંધા
આમિ ઓ બાંધા
મુક્તિ કોથાઓ નાઈ.


*
બિકસ રહ્યું હૃદય-કમળ
કૈં કેટલા જુગથી
એમાં તુંય બંધાયો
હુંય બંધાયો
ઉપાય ન કોઈ!

ખીલી ખીલે ખીલે કમળ
છેડો ન એનો હોઈ
એહ કમળમાં મધ જે વસે
રસ જાણ અનોપમ સોઈ

લોભી ભમરો એને મૂકી
જાય નહીં દૂર
એમાં હુંય બંધાયો
તુંય બંધાયો
મુક્તિ નહીં ક્યાંય!

___________________________
*('નવનીત સમર્પણ' સપ્ટેમ્બર ૨૦૧૧ અને 'પાયે પાયે માનબ મુક્તિર ખોજ' ડિસેમ્બર ૨૦૧૧માં પ્રકાશિત.)

Comments

Popular posts from this blog

સૌને દિવાળીની શુભેચ્છાઓ, ફોટો સૌજન્ય - શ્યામ સાંખટ

લીલી લીલી વયમાં - લાલજી કાનપરિયા