Skip to main content

દાસી જીવણવાણી - સંક્ષિપ્ત ભાવદર્શન શ્રેણી - દેખંદા કોઇ આ દિલમાંય...

દેખંદા કોઇ આ દિલમાંય, નીરખંદા કોઇ આ દિલમાંય,
પરખંદા કોઇ આ દિલમાંય...ઝણણણ ઝણણણ ઝણ ઝાલરી વાગે. 

બોલે બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટમાં ઈ રહ્યો રે સમાય,
જિયાં જેવો તિયાં તેવો, થીર કરીને થાણા દિયા રે ઠેરાય.....ઝણણણ૦

નવ દરવાજા નવી રમત કા, દસમે મો'લે ઓ દેખાય,
સોઈ મહેલમાં મે'રમ બોલે, આપું ત્યાગે ઓ ઘર જાય...... ઝણણણ૦

વિના તાર, વિણ તુંબે, વિના રે મુખે મોરલી બજાય,
વિના દાંડીએ નોબત વાગે, વિના રે દીપકે જ્યોત જલાય..... ઝણણણ૦

સોઈ દુ કાને દડ દડ વાગે, કર બિન વાજાં અહોનિશ વાય,
વિના અરીસે આપાં સૂજે, એસા હે કોઇ ઓ ઘર જાય...... ઝણણણ૦

જાપ અજંપા સો ઘર નાંહી, ચંદ્ર સૂરજ ત્યાં પહોંચત નાંઈ,
સૂક્ષમ ટેકસે વો ઘર જાવે, આપ આપને દિયે ઓળખાય....... ઝણણણ૦

અખર અજીતા અરજ સુણજો, અરજ સુણજો એક અવાજ,
દાસી જીવણ સત ભીમનાં ચરણાં, મજરો માનો મારો ગરીબ નવાજ....... ઝણણણ૦

દાસી જીવણ

***
શબ્દાર્થ

દેખંદા - દૃષ્ટા, નીરખંદા - નિરીક્ષક, પરખંદા - પરીક્ષક ( પરખ કરનાર )
દિલ - અંતઃકરણ, મન, ચિત્ત, કાળજું, શરીર, સ્વભાવ, હૃદય 
થાણા - સ્થાન, ઠેકાણું 
મે'રમ ((મ્હે) મહેરમ) - વહાલું, મનથી માનેલું
મજરો - મુજરો, સલામ

***

દેખંદા......
દાસી જીવણ કહે છે કે, મારા દિલમાં ( અંતરમાં ) વાગતી ઝાલરીનો ઝણ, ઝણણ, ઝણણણ જેવો મધુર અવાજ મને સંભળાઈ રહ્યો છે. મારી ભીતર આ વાગે છે એવી ઝાલરી દરેકની અંદર વાગતી જ હોય છે પણ એ કોઇ વીરલાને જ  સંભળાતી હોય છે જેઓ પોતાના ભીતરની ઓળખ - પરખ સતત કરતા રહેતા હોય. 
ભક્તિમાર્ગમાં આ ભીતરદર્શનની પ્રક્રિયા જેમની અવિરત ચાલતી હોય એમને ઝાલરી કે એવા બીજાં વાદ્યોના નાદ સંભળાય અને આવા અલગ - અલગ નાદથીયે સાધકો જ્યારે આગળ વધતા રહે તો જુદા જુદા પ્રકારના આવાં વાજીંત્રોનો બજાવનાર કોણ છે એનું દર્શન લાધે. પછી દરેક જગ્યાએ એ બજવૈયો બેઠો જ છે એની પ્રતીતિ જન્મે. અહીં દાસી જીવણ પોતાની આ પ્રાપ્તિની વાત આપણી સમક્ષ મૂકે છે.
બોલે બોલાવે.......
ચંચળ મન જ્યાં સ્થિર થાય ત્યાં તેવી પ્રતીતિ પામે. મનને દેહમાં વ્યાપ્ત નીજ સ્વરૂપ ( ચેતન - નીજત્વ ) પર સ્થિર કરવામાં આવે તો એની હીલચાલ, વર્તણૂક કે ક્રિયાશીલતાની એકેએક સ્થિતિ એને સમજાય ને એમ કરતાં કરતાં એને નીજતાની ઓળખ મળે અને જેમ છે, જ્યાં છે એમ સમજાઈ જાય. પછી એને સઘળામાં બોલતો, બોલાવતો કોઇ જુદો નહીં પણ એક જ લાગે. આ અનુભવદર્શન માટે મનને સ્થિર કરીને ભીતરનાં એ ઠેકાણે ( થાણા ) એ ઠેરવવું પડે. 
નવ દરવાજા......
કબીર કહે છે - 
નવ દ્વારે કા પિંજરા, તામેં પક્ષી પૌન,
રહને કો અચરજ અહૈ, જાત અચંબા કૌન. 
સંતોની પરિભાષામાં નવ દરવાજા એટલે બે આંખ, બે નાકના છિદ્ર, બે કાનના છિદ્ર, એક મુખ ( મોઢું ), એક લિંગ અને એક ગુદા ( મળદ્વાર ). આ નવ દ્વાર થકી સંસારની રમત ( વ્યવહાર ) ચાલી રહ્યો છે. સૌ આ રમતમાં અટવાયેલા છે. આ અવનવી રમતના દ્વારે અટવાયેલી સુરતાને દસમા મો'લ ( મહેલ ) તરફ વાળવાની અહીં વાત છે. આંતરિક સાધનામાર્ગે આગળ જતાં એક મુકામ ( પડાવ - સ્થિતિ ) એ પહોંચાય જ્યાં સઘળી વૃત્તિઓ વિરામ પામે અને અસ્તિત્વ વીરમીને શૂન્ય થઇ જાય એ સ્થિતિપ્રદેશ એટલે સોઈ મહેલ - શૂન્યમહેલ. આ જગ્યાને સંતમત દસમો મો'લ કહે છે. અહીં ઘટોઘટ જે બોલી રહેલો છે તેનું સ્થાન છે. અહીં જે સાધક પહોંચે એને એના દર્શન થાય. પણ અહીં પહોંચવું સહેલું નથી. જેઓ આપાપણાનો, પોતાપણા (અહં ) નો સર્વથા ત્યાગ કરી શકે એ જ અહીં પહોંચી શકે.
વિના તાર.....
દાસી જીવણ પોતાના અનુભવની વાત કરતાં આગળ કહે છે. અહીં દસમા મો'લે કોઇ તાર, તુંબડું, કે મુખની ફૂંક વિના મોરલી વાગી રહી છે. કોઇ દાંડી વગરનાં નગારાં વાગે છે અને કોઇ કોડિયું, વાટ કે તેલ વિનાની જ્યોત બળી રહી છે.
સોઈ દુ કાને.....
બાહ્ય કાનનો સઘળો ઘોંઘાટ શાંત થયા પછી દુ કાને ( આંતરિક બે કાનમાં ) અમૃતવર્ષાનો દડદડ અવાજ સંભળાય છે. હાથના કોઇ ચંચૂપાત વિના, વાયુની લહેર વિના, કોઇ ઘા કે ઘસરકા વિના અહોનિશ ( અવિરત ) વાજાંઓ વાગી રહ્યાં છે. અહીં વિના અરીસે સ્વને જોઇ શકાય છે. અહીં પોતાનું જ પોતાની સામે પ્રગટીકરણ થતાં સ્વસ્વરૂપનું ભાન થાય છે. દાસી જીવણ કહે છે, અહીં પહોંચવું બહુ અઘરું છે. સદગુરુના ઘરનો કોઇ એવો બંદો ( વીરલો ) હોય એ જ આ સોઈ મહેલ (શૂન્ય ઘરમાં ) જઇ શકે.
જાપ અજંપા......
આ મુકામ ( પડાવ ) પર અજપા જપ પણ સ્થિરતાએ પહોંચીને વિરમી જાય છે. ચંદ્ર સૂરજ ( ઇંગલા પિંગલા નાડીઓ ) ની પહોંચ અહીં સુધી નથી. શૂન્ય ઘરને સંતો બ્રહ્મનું સ્થાન કહે છે. અહીં પહોંચવાની તાલાવેલી હોય એવા સાધકે બહુ સૂક્ષ્મ, બારીક બ્રહ્મટેક લઇને નીકળવું પડે અનેક અંતરાયો પાર કરવા પડે. આવા કોઈ વીરલા જ અહીં પહોંચી શકે અને પોતે પોતાની ઓળખાણ કરી શકે.
અખર અજીતા.....
જન્મમરણ રહિત, અખંડ, અજિત એવા, હે દયાળું, કરુણાનિધાન આપની કૃપાએ મને આ ભાવસ્થિતિએ પહોંચાડી સ્વરૂપદર્શનનો અમૂલ્ય લ્હાવો આપ્યો, જેનાથી મારી સઘળી સાંસારિક ભ્રમણા ભાંગી ગઇ એનું ઋણ તો હું શું ચૂકવી શકું ? પણ હે ગરીબનવાજ મારો આ મજરો ( સલામ ) સ્વીકારવાની કૃપા કરજો.

હરજીવન દાફડા

Comments

Popular posts from this blog

હરજીવનમાં અવરજવર

હું અને મારી ગઝલ - હરજીવન દાફડા તું અને તારી ગઝલ - હર્ષદ ચંદારાણા

ઇમેજ બનાવનાર નાથાલાલ ર. દેવાણીના આભાર સાથે